Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ખેડૂતો માટે ખુશખબરઃ ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં ૮%નો વધારો કરાશે

ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં ૮ ટકાનો વધારો કરવા રાજ્ય સરકાર ભારત સરકારના કૃષિખર્ચ અને ભાવપંચને ભલામણો મોકલશે

ગાંધીનગર, તા.૩૧: રાજ્યના ખેડૂતો માટે ખરીફ સિઝનના પાકને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં ૮ ટકાનો વધારો કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશેજેને લઈ ટેકાના ભાવ વધારો થઈ શકે છે.

રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ડાંગરમાં પ્રતિમણે ૫૫૦ રૃપિયાના ભાવ કરવાની તેમજ બાજરીમાં પ્રતિમણે ૬૪૦ રૃપિયાના ભાવની ભલામણ કરશે. જુવારમાં પ્રતિમણે ૧ હજાર ૮૦ રૃપિયાના ભાવની મકાઈમાં પ્રતિમણે ૯૦૦ રૃપિયાના ભાવની ભલામણ કરશે જ્યારે તુવેરમાં પ્રતિમણે ૧ હજાર ૬૦૦ રૃપિયાના ભાવની તેમજ મગમાં પ્રતિમણે ૧ હજાર ૮૬૦ રૃપિયાના ભાવની ભલામણ કરશે. વધુમાં અડદમાં પ્રતિમણે ૧ હજાર ૭૬૦ રૃપિયાના ભાવની તેમજ મગફળીમાં પ્રતિમણે ૧ હજાર ૫૦૦ રૃપિયાના ભાવની ભલામણ કરશે. તલમાં પ્રતિમણે ૨ હજાર ૧૦૬ રૃપિયા અને કપાસમાં ૧ હજાર ૭૮૦ રૃપિયાના ભાવની ભલામણ કરશે. ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને ભલામણો મોકલવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે ૮ જૂન ૨૦૨૨ના રોજ ૨૦૨૨-૨૩ના પાક વર્ષ માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ૪-૯ ટકાનો વધારો કર્યો હતો, જેમાં ડાંગરની એમએસપી ૧૦૦ રૃપિયા વધારીને ૨,૦૪૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું હતું, આ પગલાનો હેતુ ખેડૂતોને વધુ વિસ્તારને વાવેતર હેઠળ લાવવા અને તેમની આવક વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ વર્ષ ૨૦૨૨-૨૩ના પાક વર્ષ માટે ૧૭ ખરીફ  પાકો માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી હતી.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

(9:33 pm IST)