Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ૨૧મીએ ચૂંટણી

તા.૨૩મીએ મતગણતરી હાથ ધરાશેઃ ત્રીજી ફેબ્રુઆરીએ જાહેરનામું જારી થઇ જશે : બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયતમાં આચારસંહિતા અમલી

અમદાવાદ,તા. ૩૧, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આજે રાજયમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત મળી બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ રાજયના ચૂંટણી કમિશનર વરેશ સિંહા દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જો કે, રાજયની આ બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી અંગેનું વિધિવત્ જાહેરનામું તા.૩જી ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ કરાશે અને ત્યારથી આ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થશે.રાજયના ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અંગે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ તા.૮-૨-૨૦૧૮ રહેશે. ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ તા.૯-૨-૨૦૧૮ રહેશે. તા.૨૧મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. જેમાં ઇવીએમનો ઉપયોગ થશે. આ ચૂંટણી દરમ્યાન પણ મતદારો પોતાના મતાધિકાર દરમ્યાન નોટાનો ઉપયોગ કરી શકશે. જો કોઇ સંજોગોમાં ફેરમતદાનની સ્થિત સર્જાય તો, તા.૨૨મી ફેબ્રુઆરીએ પુનઃ મતદાન યોજવામાં આવશે. ત્યારબાદ તા.૨૩મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા બે દિવસ પહેલાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓની આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું, જે મુજબ આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. જેમાં અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૫ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓની ચૂંટણી માટે તા.૩જી ફેબ્રુઆરી ઉમેદવારીફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મની ચકાસણી તા.૫મી ફેબ્રુઆરીએ થશે. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા અગાઉ કરી દેવામાં જ આવી છે. તો, સાથે સાથે  સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે તેવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.

બનાસકાંઠા-ખેડા ચૂંટણી....

૨૩મી ફેબ્રુઆરીના દિવસે મતગણતરી થશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આજે રાજયમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત મળી બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ રાજયના ચૂંટણી કમિશનર વરેશ સિંહા દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જો કે, રાજયની આ બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી અંગેનું વિધિવત્ જાહેરનામું તા.૩જી ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ કરાશે અને ત્યારથી આ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થશે. ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ છે.

¨     ચૂંટણી જાહેર કરવાની તારીખ ૩૧મી જાન્યુઆરી રહી

¨     ત્રીજી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણીની નોટિસ અને જાહેરનામુ પ્રસિદ્ધ થશે

¨     ત્રીજી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણી અધિકારી ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરશે

¨     ૮મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે

¨     ૯મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ રહેશે

¨     ૧૦મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ રહેશે

¨     ૨૧મી ફેબ્રુઆરીએ મતદાન કરાશે

¨     ૨૨મી ફેબ્રુઆરીએ જો જરૂર પડશે તો ફેર મતદાન થશે

¨     ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરીની તારીખ રહેશે

(9:52 pm IST)