Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પદ્માવતને લઇને હિંસા થશે તેવી માહિતી પોલીસને હતી

તોડફોડની દહેશતનો રિપોર્ટ આઈબીએ આપ્યો હતો : આઇબીના રિપોર્ટને પગલે ખળભળાટ : શહેર પોલીસ અને સરકારના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠયા

અમદાવાદ,તા.૩૧ : પદ્માવત ફિલ્મની રિલીઝના બે દિવસ પહેલાં પોલીસને ખબર હતી કે, મલ્ટીપ્લેક્સ થિયેટર્સ હુમલા અને આગચંપીની શકયતાઓ છે. જો કે, પોલીસને આ જાણકારી હોવાછતાં પદ્માવત ફિલ્મ રિલીઝ થયાના બે દિવસ પહેલાં શહેરના ચારથી પાંચ મલ્ટિપ્લેક્સની બહાર તોડફોડની સાથે સાથે ૧૦૧ વાહનોને સળગાવી શાંતિ ડહોળવામાં રાજપૂત સમાજ અને કરણી સેનાના કાર્યકરો સફળ થઇ ગયા હતા. પોલીસને આવી ઘટનાની ભનક હોવાનો ચોંકાવનારો ખુલાસો રાજયના આઇબી ડિપાર્ટમેન્ટ (ગુપ્તચર વિભાગ) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં થયો છે. તેથી હવે આઇબીના આ રિપોર્ટને લઇ શહેર પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગુપ્તચર શાખાના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે, સાણંદનું એક જૂથ એસજી હાઇવે પર આવેલા મલ્ટિપ્લેક્સ થિયેટર પર હુમલો કરી શકે છે. પરંતુ શહેર પોલીસ કે ગ્રામ્ય પોલીસે પણ આ સમગ્ર મામલે કોઇ ગંભીરતા ન દાખવી કે રિપોર્ટમાં વ્યકત કરાયેલી ભીતિને ગંભીરતાથી ના લેવાઇ, જેનું પરિણામ ભારે પડી ગયું. રાજયના ગુપ્તચર વિભાગ દ્વારા પદ્માવત ફિલ્મના વિરોધમાં કોણ, કોણ-કયાં કયાં નુકસાન કરી શકે છે, તેની દહેશત કે ભીતિ વ્યકત કરતો એક વિગતવાર અહેવાલ તૈયાર કરાયો હતો. જે દિવસે શહેરના ચારથી પાંચ મલ્ટિપ્લેક્સની બહાર તોડફોડ અને આગચંપીની હિચકારી ઘટનાઓ બની તેના બે દિવસ પહેલાં જ આઇબીનો રિપોર્ટ સુપ્રત કરી દેવાયો હતો પરંતુ તેમછતાં પોલીસ તંત્ર દ્વારા કે સરકારના સત્તાવાળાઓ શા માટે તેને ગંભીરતાથી ના લેવાયો અને અગમચેતીના પગલારૂપે કેમ પૂરતો સુરક્ષા બંદોબસ્ત સંભવિત સ્થાનો પર તૈનાત કરાય ન હતો તેવા સળગતા સવાલો હવે સામે આવી રહ્યા છે. આઇબીના રિપોર્ટ છતાં પોલીસ તંત્ર કેમ ઉણું ઉતર્યું અને કયાં કચાશ રહી ગઇ તે સૌથી મોટી તપાસનો વિષય હવે બન્યો છે.

આઇબી દ્વારા બે દિવસ પહેલાં સ્પષ્ટ અણસાર આપી દીધો હોવાછતાં શહેર પોલીસ કે સરકારના સત્તાધીશોએ શહેરના નાગરિકોના જાન-માલની સુરક્ષાને શા માટે દાવ પર લગાવી તે મહત્વનો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. બીજી સૌથી નોંધનીય વાત એ છે કે, મલ્ટીપ્લેકસ થિયેટર પર તોડફોડ અને આગ લગાડવાના કાવતરાનો પ્લાન બે દિવસ પહેલાં ઘડાઇ ગયો હતો અને આઇબીએ પણ એ જ અરસામાં તેનો મહત્વનો ગુપ્ત રિપોર્ટ આપી દીધો હતો. એટલે કે, આઇબીએ બહુ સમયસર તેની ફરજ નિભાવી હતી પરંતુ શહેર પોલીસ અને સરકારના સત્તાધીશોએ જાણીબુઝીને ઇરાદાપૂર્વક આખાય પ્રકરણમાં તોફાની તત્વોને છૂટો દોર આપ્યો હતો કે કેમ તે સવાલ પણ ઉભો થયો છે. આમ, શહેર પોલીસ અને સરકારના સત્તાધીશો આખાય પ્રકરણમાં શંકાના પરિઘમાં આવી ગયા છે.

(8:26 pm IST)