Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

યુવતીનું સ્ત્રીબીજ કાઢી લેનાર પિયુષ પટેલની અંતે ધરપકડ

ડોકટરની ધરપકડથી તબીબી આલમમાં ચકચાર : હોમગાર્ડ યુવતીને કાનપુર ખાતે લઇ જવાયા બાદ સ્ત્રીબીજ કાઢી લેવાયું : ઓવરડોઝ ઇન્જેકશનથી બંને કિડની ફેઇલ

અમદાવાદ, તા.૩૧ : પૈસાની લાલચમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીનું સ્ત્રી બીજ કાઢી નાંખવાના ચકચારભર્યા પ્રકરણમાં રામોલ પોલીસે આજે આરોપી ડોકટર પિયુષ પટેલની ધરપકડ કરી લેતાં તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી બીએચએમએસ ડો.પિયુષ પટેલે મૃતક સોનલ પરમારનું કાનપુર ખાતે લઇ જઇ હોસ્પિટલમાં સ્ત્રી બીજ કાઢી લેવડાવ્યું હતું. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ડો.પિયુષ પટેલ સહિત છ આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી હતી. તબીબી આલમ સામે ગંભીર સવાલો અને શંકા ઉઠાવતાં આ ચકચારભર્યા પ્રકરણમાં મૃતક સોનલ પરમારના ભાઇ ભાવેશ સુરેશભાઇ પરમારે રામોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ,  બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી અને  હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમાર નામની યુવતી ગત તા.૧૯-૩-૨૦૧૭ના રોજ ઘરેથી કેમ્પમાં જવાનું કહીને નીકળી હતી અને તા.૨૩ માર્ચ,૨૦૧૭ના રોજ તેણી ઘેર આવી હતી ત્યારે તેની તબિયત બહુ ખરાબ હતી. તેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઇ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પ કોમ્પલેક્ષમાં ડો.પિયુષ પટેલ અને ડો.નિસર્ગ પટેલની બોપલ સ્થિત નિશા વુમન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, તેણીની તબિયત વધુ બગડતાં તેને ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં પંદર દિવસ સુધી તેને આઇસીયુમાં દાખલ રાખવામાં આવી હતી એ પછી તેની તબિયતમાં સુધારો જણાતાં તેને રજા આપવામાં આવી હતી. દરમ્યાન સોનલ પરમારે તેના ફરિયાદી ભાઇને એ વખતે વાત કરી હતી કે, બાપુનગરમાં ગરીબનગરના છાપરામાં રહેતી ખુશ્બુબહેન પરમારે તેણીને લાલચ આપી હતી કે, જો તારે પૈસા કમાવવા હોય તો એક ડોકટર છે અને તું જો તું તારું સ્ત્રીબીજ આપીશ તો તને રૂ.૧૫ હજાર મળશે. ત્યારબાદ તેની ઓળખાણ વનિતા નામની એક મહિલા સાથે કરાવી હતી. તે તેણીને ડો.પિયુષ પટેલની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ડોકટરોએ તેને સ્ત્રીબીજના બદલામાં રૂ.૧૫ હજાર આપવાની લાલચ આપી હતી. બાદમાં તેને સોનોગ્રાફી બાદ દસ દિવસ સુધી ઇન્જેકશનો આપવામાં આવ્યા હતા અને વડોદરાને બદલે તેણીને કાનપુર લઇ જવાઇ હતી અને કાનપુરમાં તેનું સ્ત્રીબીજ કાઢી લેવામાં આવ્યું હતું. ઇન્જેકશનોના ઓવરડોઝના કારણે સોનલ પરમારની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર બનતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જયાં તા.૭-૧૦-૨૦૧૭ના રોજ મૃત્યુ થયુ હતું. જો કે, સિવિલ હોસ્પિટલની કમીટી દ્વારા આ પ્રકરણમાં તપાસ હાથ ધરી સત્તાધીશોને સુપ્રત કરેલા રિપોર્ટમાં ડો.પિયુષ પટેલ સહિતના લોકોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ ગયો હતો. આખરે આ પ્રકરણમાં પોલીસે સપાટો બોલાવ્યો હતો.

(7:33 pm IST)