Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વાપીના પારડીમાં પાંચ બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ લાખોની મતાનો હાથફેરો કર્યો

વાપી:પારડી વિસ્તારમાં સક્રીય બનેલી તસ્કર ટોળકીએ ગઈકાલે રાત્રિના ટુકવાડા ગામે એક સાથે પાંચ બંધ મકાનના તાળા તોડતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. પાંચ પૈકી એક મકાનમાંથી રોકડા રૃા.૧.૨૦ લાખ અને ૮ તોલા સોનાના ઘરેણાંની ચોરી થઈ હતી. જયારે અન્ય મકાન માલિકો બહાર ગામ હોવાથી કોઈ વિગત બહાર આવી નથી.

પારડી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કર ટોળકી તરખરાટ મચાવી રહી છે. પોલીસ ચોરીના નોંધાયેલા ગુનાની તપાસ શરૃ કરે તે પહેલા જ તસ્કરોએ વધુ પાંચ મકાનોને નિશાન બનાવ્યા છે. ટુકવાડા ગામે દેસાઈ ફળિયામાં રહેતા ભરતભાઈ ગુલાબભાઈ દેસાઈના બંધ મકાનમાં ઘુસી તસ્કરો કબાટમાંથી રોકડા રૃા.૧.૨૦ લાખ અને ૮ તોલા સોનાના ઘરેણાં ચોરી ગયા હતા.

ભરતભાઈ રાત્રિ ડયુટી પર ગયા હતા. આજે સવારે કામવાળી કામ કરવા આવી ત્યારે ચોરીના બનાવની જાણ થઈ હતી. ભરતભાઈ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા ત્યારે તેઓને વ્યવસ્થિત જવાબ નહીં મળતા પરત નીકળી ગયા હતા. પરંતુ થોડા કલાકો બાદ પોલીસે ભરતભાઈને બોલાવી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ ઉપરાંત તસ્કરોએ ફળિયામાં રહેતા ભરત છોટુભાઈ દેસાઈ, ઠાકોર છોટુભાઈ દેસાઈ, નિલેશ દેસાઈ અને જશવંતભાઈ દેસાઈના બંધ મકાનના પણ તાળા તોડયા હતા.જોકે, તમામ મકાન માલિકો બહાર ગામ ગયા હોવાથી ચોરી અંગે હાલ કોઈ વિગત બહાર આવી નથી. પારડી વિસ્તારમાં ચોરીના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા હોવા છતાં પોલીસ ગુનેગારોને પકડવા નિષ્ફળ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

(5:39 pm IST)