Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

નશાના રવાડે ચડી વડોદરાના પુત્રએ માતાના 20 તોલા દાગીના ઉડાવી દેતા ચકચાર

વડોદરા:નશાના રવાડે ચઢેલા નબીરાઓ કોઇ પણ હદ સુધી જવા તૈયાર થઇ જાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.આવા જ એક કિસ્સામાં પંદર વર્ષના પુત્રની હરકતોથી વાજ આવી ગયેલી મહિલાએ પોલીસની મદદ લીધી હતી.પરંતુ પોલીસ પણ કાંઇ કરી શકી નથી.

શહેરની કારેલીબાગ વિસ્તારની એક શાળામાં અગાઉ અભ્યાસ કરતો અને હાલમાં ગોત્રી વિસ્તારમાં રહેતો પંદર વર્ષીય વિદ્યાર્થી ચરસનો બંધાણી બની જતા તેના શિક્ષણ પર પણ અસર પડી હતી.જેથી સ્કૂલ સંચાલકોએ તેની હકાલપટ્ટી કરી હતી.આ વિદ્યાર્થીને બીજી સ્કૂલે પ્રવેશ આપ્યો હતો પરંતુ તેની આદત છૂટી નહતી.

કોઇ ગેંગના ચક્કરમાં ફસાયેલા વિદ્યાર્થીએ નશો કરવા માટે ઘરમાં નાની મોટી ચોરીઓ કરવા માંડી હતી.ત્યારબાદ તેણે દાગીના પર નજર નાંખી હતી અને માતાના એક પછી એક દાગીના સેરવી લેવા માંડયા હતા.

માતાને શંકા જતા વોચ રાખી હતી અને પોલીસની પણ મદદ લીધી હતી.પોલીસે તમામ વિગતો એકત્રિત કરી હતી પરંતુ દાગીના પરત મળી શક્યા નહતા.પોલીસ ગેંગના સાગરિતોને શોધી રહી છે.આ વિદ્યાર્થીને સારવાર પણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતા હજી તેમાં કોઇ સુધારો થયો નથી.

(5:39 pm IST)