Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદમાં અસામાજિક તત્વોનો હુમલો: જમાલપુરમાં હપ્તાવસૂલીના મામલે તલવારથી હુમલો થતા બે મહિલા સહીત 6 ઈજાગ્રસ્ત

અમદાવાદ:માં અસામાજિક તત્વો માથુ ઉચકી રહ્યા છે. આજે જમાલપુર ફૂલ બજાર પાસે મહિને રૃા. ૧૦૦૦નો હપ્તો વસૂલવા બાબતે સામસામે મારામારી થઇ હતી. જેમાં બન્ને પક્ષે તલવારથી હુમલો કરવામાં આવતાં બે મહિલા સહિત છ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવના પગલે જમાલપુરમાં ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહી ફૂલ બજારમાં વેપારીઓમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે લાલ દરવાજા વસંતચોક ખાતે શિવકુમારની ચાલીમાં રહેતા સોનીબહેન કાંતીભાઇ વણોદિયાએ ગાયકવાડ હવેલી ખાતે ફરિયાદ નોધાવી છે કે તેમનો દિકરા અનિલભાઇ જમાલપુર ફૂલ બજાર પાસે ફૂલનો વ્યવસાય કરતા હતા.

આજે સવાર સાત વાગે તે ફૂલ બજાર ખાતે હાજર હતા ત્યારે કમલેશ વાઘેલા નામના શખ્સે મહિને રૃા. ૧૦૦૦ના હપ્તો આપવાની વાત કરી હતી. તેમના પુત્રએ હપ્તો આપવાનો ઇન્કાર કરતાં કમલેશે તેેેમના માથામાં તલવાર મારી હતી સાથે તેના ભાઇ વિપુલ અને ગિરીશે પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજીતરફ જમાલપુર ફૂલબજાર પાછળ કાચા છાપરામાં રહેતા વિપુલભાઇ મનુભઆઇ વાઘેલાએ ગાયકવાડ હવેલી ખાતે ફરિયાદ નોધાવી છે કે આજે સવારે સાત વાગે અમારા છાપરા બહાર બે છોકરા પેશાબ કરતા હતા ત્યારે મારા ભાભીએ પેશાબ કરવાની ના પાડી હતી.

છોકરાઓએ પાથરણાવાળોઓને જાણ કરતાં લખા નામનો હાથાં તલવાર સાથે આવ્યો હતો અને વિપુલના ભાઇ ગિરીશને માથામાં તલવાર મારી હતી. ઉપરાંત તેના ભાઇ કમલેશ, ફરિયાદીની પત્ની તથા પિતા તેમજ બેહનન હુમલામાં ઇજાઓ થઇ હતી.

આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે આરોપી કમલેશની ધરપકડ કરી હતી અને બન્ને પક્ષે ખૂનની કોશિષ સહિત જરૃરી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ, વી.જી.રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે. પીઆઇના જણાવ્યા મુજબ કમલેશને બે વર્ષમાં પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો.

(5:38 pm IST)