Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કુડાસણ-ભાઈજીપુરા ચાર રસ્તો સર્કલના અભાવે ગોઝાર હાઇવે બન્યો:અસંખ્ય વાહનોની અવરજવરથી અકસ્માતનું જોખમ વધ્યું

ગાંધીનગર:ગાંધીનગર-અમદાવાદ માર્ગ ઉપર આવેલાં કુડાસણ - ભાઇજીપુરા ચારરસ્તા ઉપરથી રોજના અસંખ્ય વાહનોની અવર જવર થઇ રહી છે. તો માર્ગની બંને તરફ મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમની પણ આવનજાવન વધુ હોવાથી સતત વાહનો દોડતાં હોય છે. આ ચાર રસ્તાએ સર્કલ નહીં હોવાથી વાહન ચાલકો પણ ગતિનિયંત્રણમાં લાવી શકતાં નથી અને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે સ્થાનિક રહિશોએ સર્કલ બનાવવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. શહેર નજીક વિકાસ પામી રહેલાં નવા ગાંધીનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વસાહતો આવેલી છે. જેમાં અસંખ્ય પરિવારો વસવાટ પણ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર - અમદાવાદ માર્ગ ઉપર આવેલાં કુડાસણ -ભાઇજીપુરામાં અંદાજે ૧૫ જેટલી સોસાયટીઓ અને વાણીજય યુનિટ આવેલાં છે. આ સોસાયટીઓમાં વસવાટ કરતાં લોકોને અવાર નવાર કુડાસણ-ભાઇજીપુરા ચાર રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. તો બીજી તરફ આ માર્ગ ઉપર અમદાવાદ અને ગાંધીનગર તરફના અસંખ્ય વાહનોની રોજીંદી અવર જવર થતી હોય છે. સમગ્ર દિવસ દરમિયાન ભારે અને હળવા વાહનો આ માર્ગ ઉપરથી પસાર થતાં હોય છે. ત્યારે અમુક વખતે વાહન ચાલકો નિયંત્રણ ગુમાવતા અકસ્માતનો ભોગ પણ બનતાં હોય છે. આ ચાર રસ્તા ઉપર સર્કલ નહીં હોવાથી પુરપાટ ઝડપે પસાર થતાં વાહન ચાલકો નિયંત્રણ પણ ગુમાવી દેતાં હોય છે. જેથી આ માર્ગની બંને તરફ આવેલાં રહેણાંક વિસ્તારના લોકોને પણ વાહન લઇને અવર જવર કરવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા કુડાસણ-ભાઇજીપુરા ચાર રસ્તા ઉપર સર્કલ બનાવવામાં આવે તેવી રજૂઆત ઉચ્ચકક્ષાએ પણ કરવામાં આવી છે. હાલમાં સર્કલના અભાવે અકસ્માતના ભયે પણ વાહન ચાલકો અવર જવર કરી રહ્યાં છે ત્યારે સત્વરે સર્કલ બને તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(5:36 pm IST)