Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પુણ્યની દુકાનઃ જરૂરીયાતની વસ્તુઓનુંગરીબોમાં નિઃશુલ્ક વિતરણ

વડોદરામાં જૈન સમાજના યુવાનો દ્વારા પ્રેરણાદાયી અભિગમ : સુખી પરિવારો પાસેથી કપડા, ધાબળા, ચાદર, જેકેટ, રસોડાનો સામાન, ગેમ્સ તથા રમકડા જેવી ૨૦ હજાર વસ્તુઓ ભેગી કરી

વડોદરા , તા.૩૧:  અહીંના જૈન યુવા-યુવતીઓએ શહેરના સુખી સંપન્ન પરિવારો પાસેથી કપડા,ધાબળા, ચાદર, જેકેટ, રસોડાનો સામાન, વાસણો, ગેમ્સ અને રમકડા ઉઘરાવીને આ તમામ વસ્તુઓનું ગરીબોમાં નિઃશુલ્ક વિતરણ કર્યુ હતુ.

આ માટે સુભાનપુરા વિસ્તારમાં આવેલા સમતા ગ્રાઉન્ડમાં ટેન્ટ લગાવીને ' પુણ્યની દુકાન' શરૂ કરવામાં આવી હતી. જયાં જરૂરીયાત મંદોને તેમની મનગમતી વસ્તુઓ લઇ જવા માટેની છૂટ આપવામાં આવી હતી. ૧૫૦થી વધુ કાર્યકરોએ શહેરમાં ફરીને લોકોના દ્યરમાં નકામી પડેલી પરંતુ સારી હોય તેવી ૨૦,૦૦૦ વસ્તુઓ ઉઘરાવી હતી.શહેરમાં સમસ્ત જૈન સંઘના ૧૫૦થી વધુ યુવા કાર્યકરોએ ૨૦ દિવસ પહેલા આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેઓએ શહેરમાં વિવિધ સ્થળોએ ૧૦ સેન્ટરો ઉભા કર્યા હતા અને કાર્યકરો દરેક વિસ્તારમાં ફરીને જૈન ઉપરાંત અન્ય પરિવારોના ઘરે ઘરે જઇને તેમની પાસે પડેલી નકામી પણ સારી કન્ડિશનમાં હોય તેવી કોઇ પણ વસ્તુ દાન આપવા માટે અપીલ કરી હતી.

યુવા કાર્યકરોએ ૨૦ દિવસમાં ૧૫,૦૦૦થી વધુ કપડા, ૫૦૦થી વધુ વાસણો, ૫૦૦થી વધુ ધાબળા, ચાદર, સ્વેટર, જેકેટ, ૧૦૦૦થી વધુ રમકડા, ગેમ્સ, સ્ટેશનરી, લંચબોકસ, સ્કુલબેગ અને ૧૦૦૦થી વધુ મહિલાઓ માટેની કટલરી વસ્તુઓ મળીને કુલ ૨૦,૦૦૦થી વધુ વસ્તુઓ એકઠી કરવામાં સફળતા મળી હતી.

આ તમામ વસ્તુઓનું ગઈકાલે વડોદરાના  સમતા ગ્રાઉન્ડ પર એક વિશાળ ટેન્ટમાં 'પુણ્યની દુકાન' અલગ અલગ કાઉન્ટરો પર ડિસપ્લે કરવામાં આવ્યુ હતુ અને સવારે ૯ થી રાતના ૯ સુધી ૧૨ કલાક દરમિયાન હજારો ગરીબ અને જરૂરીયાતમંદ લોકોએ આ'પુણ્યની દુકાન'નો લાભ લીધો હતો. અહીં રાખેલ તમામ વસ્તુઓનું વિતરણ થઇ ગયુ હતું.

(3:39 pm IST)