Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતા સગીરાની ગર્ભપાતની અરજી ફગાવી

ભારે ગ્લાની સાથે ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચૂકાદોઃ ડોકટર્સની સલાહના આધારે ચૂકાદો

અમદાવાદ તા. ૩૧ : હિંમતનગરની ૧૪ વર્ષીય દુષ્કર્મ પીડિતા એબોર્શન કરાવવા માગતી હતી જોકે ભારે વ્યગ્રતા સાથે ગુજરાત હાઈકોર્ટે તેની અપીલને ફગાવી દેતા કેન્દ્ર સરકારને દુષ્કર્મ પીડિતા કે જેમને બાળક નથી જોઈતું તેમના એબોર્શન માટે એક નવી ગાઇડ લાઇન દોરવા અને તેના મુજબ કાયદામાં ફેરાફાર કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે આવી દુવિધાભરી સ્થિતિમાં ડોકટર્સ પોતાનું કાર્ય કરી શકે અને પીડિત વ્યકિતને વધુ મુશ્કેલી ન ઉઠાવવી પડે તે માટે કાયદા જરુરી ફેરફાર કરવા જોઈએ.

પોતાના ચૂકાદો આપતા દુષ્કર્મ પીડિતાને થતી શારીરિક અને માનસીક પીડા પ્રત્યે દુઃખ વ્યકત કરતા કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું કે, 'સદીઓથી ધર્મ પણ આ સવાલનો જવાબ આપવા મથી રહ્યો છે. આટલા નાના બાળકોને ભગવાન જ પીડા સહન કરવાની શકિત આપે છે. જોકે કોર્ટ સતત યોગ્ય જવાબ શોધવા માટે પ્રયાસરત છે.'

જસ્ટિસ જે.બી પારડીવાલાએ અમદાવાદના ૮ નિષ્ણાંત ડોકટર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોકટર્સની સલાહ અનુસાર ૧૪ વર્ષીય સગીરાના ૩૨ સપ્તાહના ગર્ભના એબોર્શનની અરજી ફગાવી હતી. ડોકટર્સનું કહેવું છે કે હાલ સાત મહિના થઈ ગયા હોવાથી જો એબોર્શન કરવામાં આવે તો સગીરા અને બાળક બંનેના જીવને જોખમ રહે છે.

આ ચૂકાદાને જજે એક ખૂબ જ મુશ્કેલ ચૂકાદા સાથે સરખાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'કયારેક અમારે એવા મુશ્કેલ ચૂકાદા લેવાની ફરજ પડી જાય છે જે લોકોના જીવનને અસર કરે છે.'

(10:13 am IST)