Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઇ-વે બિલના અમલીકરણ માટે

અમદાવાદમાં ૧૫થી વધુ મોબાઇલ વાન સાથે GST અધિકારીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ

નવી દિલ્હી તા. ૩૧ : ગુજરાતમાં ૧લી ફેબ્રુઆરીથી ઇ વે બિલ ફરજિયાત થઇ રહ્યું છે. ત્યારે વિભાગ પણ પૂરી તૈયારી સાથે ઇ વે બિલનાં અમલીકરણ માટે અમદાવાદમાં ૧પથી વધુ મોબાઇલ વાન સાથે ચાંપતી નજર રાખી સજ્જ છે. આ મોબાઇલ વાન વેપારીઓને ઘેરવાની રણનીતિ અપનાવશે.

૭ મહિના સુધી જીએસટીને મામલે વેપારીઓને આંશિક છૂટછાટ બાદ રિટર્ન સહિતની અનેક બાબતોમાં ઢીલી નીતિ અપનાવ્યા બાદ અમદાવાદ સહિત રાજયભરમાં ઇ વે બિલનો કડક અમલ કરાવવા તંત્ર મેદાને પડશે.

નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ વેટ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ ૩૦ જાન્યુઆરી હતી. તે વધારીને ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ કરવામાં આવી છે. જેના પગલે વેપારીઓને રાહત થઈ છે.

૧લી ફેબ્રુઆરી ગુરુવારથી જ જયારે ઇ વે બિલનાં અમલીકરણની શરૂઆત થશે કે ૧પ થી વધુ મોબાઇલ વાન વેપારીઓને ગમે ત્યાં આંતરશે અને ચેકિંગ કરશે. જો ઇ વે બિલ અને માલનું બિલ નહીં હોય તો ટેકસ અને વ્યાજ સહિતની દંડની રકમની વસૂલાત કરાશે.

૧લી ફેબ્રુઆરીથી વેપાર માટે ૧૦ કિ.મી.ના વિસ્તારની લિમિટમાં પ૦ હજારથી ઉપર માલની અવરજવર માટે ઇ વે બિલનાં અમલીકરણની શરૂઆત થશે. જો માલની ડિલિવરી દસ કિ.મી.ના એરિયાની અંદરની હશે તો તેવા કિસ્સાઓમાં ઇ વે બિલની જરૂરિયાત ઊભી થશે નહીં.

ઇ વે બિલની શરૂઆત સાથે જ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો એક બીજા પર જવાબદારી ઢોળી ન દે અને સરકારને નુકસાન ન થાય તે માટે શહેરભરમાં મોબાઇલ વાન ચેકિંગ માટે ફરી વળશે.

આ મોબાઇલ વાન માત્ર ચેકિંગ જ નહીં કરે પરંતુ વેપારીઓને કોઇ ટેકિનકલ કારણોસર મુશ્કેલી પડશે તો મદદ પણ કરશે. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોબાઇલ વાન એટલે કે કોઇ પણ કાર હાયર કરવામાં આવશે. અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવાઇ છે.

જે મોટા ભાગના વિસ્તાર કવર કરી લેશે. ખાસ કરીને ન્યૂ કલોથ માર્કેટ, પાંચકૂવા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જીઆઇડીસી, વટવા, કઠવાડા, નરોડા, નારોલ, રખિયાલ સહિતના શહેરના વિસ્તારો કવર કરશે. અધિકારીઓ પાસે લેપટોપ હશે જેમાં ડેટા હશે દંડની રિસિપ્ટ બુક સહિતની સામગ્રી સાથે તેઓ દિવસભર અચાનક જે તે સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને ગમે તે વાહન અટકાવશે જરૂર પડ્યે પોલીસ પ્રોટેકશન પણ લેશે.

(9:39 am IST)