Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કરી રાજીનામુ પરત ખેંચ્યું

નાદુરસ્ત તબિયત છે તો 2024ની ચૂંટણી લડશો રાજકીય નિવૃત થશો કે કેમ એ પ્રશ્ન મામલે મનસુખભાઇએ જણાવ્યું કે એ જાહેરાત કરવાનો મારો નહિ પણ પક્ષનો વિષય છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 30 મી ડિસેમ્બરે સવારે 9 કલાકે જ રાજીનામુ પરત ખેંચી લીધું હતું.20 કલાકના રાજકીય સ્ટંટ પછી ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપની પટરી પર પરત ફર્યા છે.

 મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે હું નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામુ આપું છું પક્ષ કે સરકાર સાથે કોઈ નારાજગી નથી, જ્યારે રાજીનામાં પત્રમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય જેથી પક્ષને નુકશાન ન પહોંચે એટલે રાજીનામુ આપું છું, એમનો આ વિરોધાભાસ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવા 30 મી ડિસેમ્બરે વેહલી સવારે 6:00 કલાકે જ રાજપીપળાથી ગાંધીનગર જવા રવાના થયા હતા, એમણે વનમંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કરી હતી .દરમિયાન એમણે રાજીનામુ પરત ખેંચ્યું હતું.મનસુખ વસાવાએ રાજુનામું પરત ખેંચવાનું કારણ આપતા એમ જણાવ્યું હતું કે મને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે તમે સાંસદ તરીકે ચાલુ રહેશો તો સરકાર તમારી મફત સારવાર કરાવશે, બીજું કામ તમારા વિસ્તારના કાર્યકરો સાંભળી લેશે. પાર્ટીએ મારી માટે આટલી વ્યવસ્થા કરી એટલે મેં રાજીનામું પરત ખેંચ્યું છે

 .મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે PM મોદી સાથે મારી ફક્ત રાજીનામાં મુદ્દે જ ચર્ચાઓ થઈ છે, એમને મેં કહ્યું કે મારે સરકાર-પક્ષ સામે કોઈ નારાજગી નથી.નાદુરસ્ત તબિયત છે તો તમે 2024 ની ચૂંટણી લડશો રાજકીય નિવૃત થશો કે કેમ એ પ્રશ્ન મામલે તેમણે સીધો જવાબ આપવાનું ટાળી જણાવ્યું હતું કે એ જાહેરાત કરવાનો મારો નહિ પણ પક્ષનો વિષય છે.

(11:15 pm IST)