Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પ્રોડકશન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ અન્ય સેકટરોમાં લાગુ કરવાની ટૂંક સમયમાં જાહેર કરાશે: કેન્દ્રીયમંત્રી માંડવીયા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટી સાથે કેન્દ્રીય મંત્રીની ઇન્ટરએક્ટિવ વેબિનાર

 

અમદાવાદ : કેન્દ્રીય પોર્ટ, શિપીંગ, વોટરબેઝ તથા કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ વિભાગના મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ અન્ય સેકટોર જેવા કે ઇલેક્ટ્રોનિકસ, ટેક્ષટાઇલ, ઓટોમોબાઇલ, ફાર્મા, કેમિકલ, ફુડ પ્રોડક્ટસ એન્ડ પ્રોસેસીંગ પર પણ લાગુ કરવાની યોજના હાલ ચાલી રહી છે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સાથેપ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ઇન અધર કેટેગરીઝવિષય પર યોજાયેલા એક ઇન્ટરરેકટિવ વેબિનારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાં સેલ્ફ સર્ટીફીકેશનને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયત્નશીલ છે. અન્ય મુદ્દાઓ અંગે તેમણે વિગતવાર રજૂઆત કરવાનું કહ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં જીસીસીઆઇના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રોડકશન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ જે ફાર્માસ્યુટીકલ ઉદ્યોગોને લાગુ પડે છે તે ખરેખર પ્રશંસનીય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને આત્મનિર્ભર ભારત માટે યોજના અન્ય ક્ષેત્રો જેવા કે કેમિકલ ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગ અને ઇજનેરી ઉદ્યોગો માટે પણ લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ગુજરાત ચેમ્બરને મહત્વની કમિટીઓમાં સ્થાન આપવા તેમ નવા ઉદ્યોગો સ્થાપવા માટે અને હાલમાં કાર્યરત ઉદ્યોગોના વિસ્તરણ માટેની મંજુરીઓ ચોક્કસ સમયગાળાની અંદર આપી દેવા માટેનુ સૂચન કર્યું હતું. પોર્ટ પર માલના નિકાસ માટે પુરતા પ્રમાણમાં શિપિંગ કન્ટેઇનર હોવા અંગે પણ ધ્યાન દોર્યું હતું.

લોજિસ્ટિક કમિટીના ચેરમેન દિનેશ ગુપ્તાએ શીપીંગ અને લોજિસ્ટિકને લગતા મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. તો કેમિકલ ટાસ્કફોર્સના ચેરમેન શ્રેણિક મર્ચન્ટે કેમિકલ ક્ષેત્રને લગતાં મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ ખજાનચીએ આભારવિધિ સંપન્ન કરી હતી. જયારે કાર્યક્રમના પ્રારંભમાં જીસીસીઆઇના ઉપપ્રમુખ કે.આઇ. પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો પરિચય આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જીસીસીઆઇ દ્રારા એક પછી એક મંત્રીઓ સમક્ષ વેબિનાર મારફતે વેપારીઓના પ્રશ્નોને રજૂ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન સાથે પણ ઇન્ટરેક્ટિવ વેબિનાર યોજાયો હતો.

 

(11:07 pm IST)