Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પાલનપુરમાં જીવતી ગાયને ટ્રેક્ટર પાછળ બાંધીને ઢસડી

ક્રૂરતાની તમામ હદ વટાવતો બનાવ :ગામ લોકો-જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી, પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી

પાલનપુર,તા.૩૦ :બનાસકાંઠા જિલ્લામાં અબોલ પશુ પર ક્રૂરતાની તમામ હદ વટાવતો એક બનાવ સામે આવ્યો છે. આ મામલે વીડિયો પણ વાયરલ થયો છે. પાલનપુરના ગઢ ગામ ખાતે એક વ્યક્તિએ જીવતી ગાયને ટ્રેક્ટર પાછળ બાંધીને ઢસડી હતી. તડફડિયા મારી રહેલી ગાયને જોઈને જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો. જે બાદમાં ગ્રામજનોએ આ કેસમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ બનાવ પાલનપુરના ગઢ ગામ ખાતે મંગળવારે બન્યો હતો. અહીં એક શખ્સે ગાયના શિંગડાં સાથે દોરી બાંધીને ગાયને ટ્રેક્ટર પાછળ બાંધી હતી. જે બાદમાં તેને ટ્રેક્ટર પાછળ ક્રૂરતા પૂર્વક ઢસડી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થતાં જ ચોતરફ રોષ વ્યાપી ગયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેકટર ચાલકે ગાયના શિંગડામાં એક દોરી બાંધી દીધી હતી. જે બાદમાં તે દોરી ટ્રેક્ટર સાથે બાંધવામાં આવી હતી. બાદમાં ચાલકે ટ્રેક્ટર ચલાવ્યું હતું.

        આ દરમિયાન ગાયને તડફડિયા મારતી જોઈ શકાય છે. ગાય ઊભી થવા માટે અનેક પ્રયાસ કરતી હતી અને ફરીથી જમીન પર પટકાતી હતી. ગાયને ક્રિકેટના મેદાનમાં પ્લાસ્ટરની તૈયાર કરવામાં આવેલી પીચ પર ઢસડવામાં આવી હતી. આ બનાવ ધ્યાનમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ગાય સાથે ક્રૂરતા આચરનાર તત્વો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં આ વીડિયો પાલનપુર તાલુકાના ગઢ ગામનો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ડ્રાયવર જેસુગભાઈ રાજસંગભાઈ કરેણ અને તેના ખેતરમાં કામ કરતા અમરતજી ભારાજી ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની હતી. બંને સામે પશુ ક્રૂરતા નિવારણ એક્ટનો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. શખ્સો જ્યારે ગાયને ટ્રેક્ટર પાછળ બાંધીને ઢસડી રહ્યા હતા ત્યારે અહીં કોઈએ આ અંગેનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે બાદમાં આ વીડિયો વાયરલ થયો હતો. મળતી માહિતી પ્રમાણે આજથી ૧૫ વર્ષ પહેલા પાલનપુરના આ જ ગામમાં એક યુવકને ટ્રેક્ટર પાછળ બાંધીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવકને ટ્રેક્ટર પાછળ બાંધીને હત્યા કરવામાં આવી હતી.

(9:21 pm IST)