Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પોલીસને ગુગલ પેથી દંડ ચૂકવ્યો બૂટલેગરના ખાતામાં જમા થયો

કેશલેસ ટ્રાન્જેક્શનની વાતો, હજુ કેશની બોલબાલા :વડોદરામાં માસ્ક સરખું ન પહેરનારા યુવકે રોકડા નહીં હોવાથી ગુગલ પેથી દંડ ભર્યો જે બુટલેગરના ખાતામાં ગયો

વડોદરા, તા. ૩૦ :કોરોનાકાળમાં ભલે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો પ્રચાર કરાતો હોય, પરંતુ સરકારી કામોમાં તો હજુય કેશની જ બોલબાલા છે. તેમાંય જો કોઈ કાયદો તોડતા પકડાઓ તો પોલીસ રોકડમાં જ દંડ વસૂલે છે. જોકે, પોલીસને ગૂગલ પેથી દંડ ચૂકવવામાં આવે અને તે રકમ બુટલેગરના ખાતામાં જમા થઈ હોય તો!! કંઈક આવી જ ઘટના સંસ્કારનગરી વડોદરામાં બની છે, જેમાં એક યુવકે માસ્ક સરખું ના પહેર્યું હોવાથી પોલીસે તેનો ૧ હજાર રુપિયાનો મેમો ફાડ્યો હતો, પરંતુ કેશ ના હોવાથી યુવકે ગૂગલ પે દ્વારા દંડ ભર્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગયા સપ્તાહે બનેલી આ ઘટનામાં રાહુલ પંડ્યા નામનો એક યુવક મિત્રો સાથે રસ્તા પર ઉભો હતો. આ દરમિયાન તેને ફોન આવતા માસ્ક મોઢાની નીચે ઉતરી ગયું હતું, અને તે વખતે જ ત્યાં પોલીસ આવી પહોંચી હતી, અને માસ્ક વિનાના રાહુલનો ફોટો પાડી લઈ એક હજાર રુપિયાનો મેમો ફાડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, રાહુલે પોતાની પાસે રોકડા એક હજાર રુપિયા ના હોવાનું જણાવ્યું હતું.

રોકડા ના હોવાથી રાહુલને પોલીસ સ્ટેશન લઈ જવા માટે તૈયારી શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન ગૂગલ પે દ્વારા રાહુલે દંડ ભરવાની તૈયારી બતાવી હતી. દંડ લેનારા પોલીસકર્મી દ્વારા એક નંબર પર રાહુલને એક હજાર રુપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવાયું હતું, અને તે ટ્રાન્સફર થઈ જતાં રાહુલને માંડવાળનો મેમો પણ આપવામાં આવ્યો હતો.

જોકે, કયા નંબર પર પેમેન્ટ થયું છે તેની તપાસ કરતા જે માહિતી બહાર આવી હતી તેનાથી આ સમગ્ર કિસ્સો ચર્ચાસ્પદ બની ગયો છે. સૂત્રોનું માનીએ તો, જે નંબર પર રાહુલ પાસે ગૂગલ પે પર એક હજાર રુપિયા ટ્રાન્સફર કરાવાયા હતા તે નંબર ખરેખર તો ફતેગંજના જ એક બુટલેગરનો હતો. પોલીસે બુટલેગરના નંબર પર પૈસા કેમ ટ્રાન્સફર કરાવ્યા તેને લઈને અનેક તર્કવિતર્કો પણ થઈ રહ્યા છે, અને વડોદરાના પોલીસબેડામાં પણ આ કિસ્સાની ચર્ચા થઈ રહી છે. આ અંગે કોઈ કશુંય બોલવા તૈયાર નથી.

(9:15 pm IST)