Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

આદિવાસી યુવતીને ફસાવી લગ્ન માટે વિધર્મી યુવકે દબાણ કર્યું

કામરેજ તાલુકાના કરઝણ ગામની ચકચારી ઘટના : યુવતી-પરિવારને યુવક ધમકી આપતો હોવાની ફરિયાદ

કામરેજ, તા. ૩૦ :કામરેજ તાલુકાના કરઝણ ગામે આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરી ગામના જ વિધર્મી યુવકે બળજબરીપૂર્વક લગ્ન કરવા દબાણ કરી પરિવારને ધમકી આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહાંચ્યો હતો. કામરેજ તાલુકાના કરઝણ ગામે રહેતા આદિવાસી પરિવારની ૨૦ વર્ષીય પુત્રીને દોઢ વર્ષ પૂર્વે ગામના જ મસ્જિદ ફળિયામાં રહેતા અરબાઝ કાલુભાઇ અહમદ મલેક સાથે ઓળખાણ થઇ હતી. જે બાદ તેઓ એકબીજા સાથે અવારનવાર મળી વાતચીત કરતા હતા. ત્યારે અરબાઝે આદિવાસી યુવતીને પોતે પ્રેમ કરતો હોવાનું કહી લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ આદિવાસી યુવતીએ પોતે અલગ સમાજની હોવાથી અરબાઝને લગ્ન કરવા ઈક્નાર કર્યો હતો.

         તેથી અકળાયેલા અરબાઝે ગુસ્સે થઇ હું તારા કોઇ જગ્યાએ લગ્ન નહીં થવા દઉં અને તારી સાથે જ લગ્ન કરીશ તેમ કહીને તારા મમ્મી-પપ્પાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જોકે સમય વિત્યે આદિવાસી યુવતીની રાજપીપળા અને માંગરોળ ખાતે તબક્કાવાર થયેલી બન્ને સગાઇ વખતે અરબાઝ મલેકે કોઇની મારફતે તે યુવતીને પોતાની સાથે લફરું હોવાનું જણાવી સગાઇ તોડાવી નાંખી હતી. જ્યારે આજથી દોઢ માસ પૂર્વે આદિવાસી યુવતીની સગાઇ મિયાંગામ કરઝણ ખાતે નક્કી થઇ હતી. જે અંગેની અરબાઝને જાણ થતા ગત તા. ૨૭-૧૨-૨૦ના રોજ યુવતીના ઘરે પહોંચીને તેણે બબાલ કરી હતી. જે બાદ યુવતીના પિતાએ અરબાઝને તું કેમ મારી છોકરી સાથે માથાકૂટ કરે છે તેવું કહેતા અરબાઝે ગાળો આપી આખા ખાનદાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિવારજનોએ સમગ્ર ગંભીર મામલે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(9:13 pm IST)