Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સરકારે ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ કરી નાખ્યા

કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો : ચાર દિવસ પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવના રદ માટેની જાહેરાત કરાઈ હતી

ગાંધીનગર,તા.૩૦ : કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.  ચાર દિવસ પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવના રદ માટેની જાહેરાત કરાઈ હતી. હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

        જેના બાદ આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ પતંગોત્સવ રદ કરવાની જાહેરાત કરાઈ છે. આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. તો સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે પણ ચર્ચા કરાઈ હતી. સરકારની વિવિધ યોજનાઓ અંગે કેબિનેટમાં વાતચીત કરાઈ હતી.  આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે.

(8:11 pm IST)