Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે ફરીથી વાતાવરણ પલટાશે : નવા વર્ષના પ્રારંભે વરસાદની હવામાન ખાતાની આગાહી

ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે: કપાસ વીણી લઇને સલામત જગ્યાએ રાખવા સૂચના:2થી 4 જાન્યુઆરી વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શકયતા

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી ઠંડીએ જોર પકડયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં ઠંડીએ માઝા મૂકી છે. ગુજરાતના મહત્તમ શહેરોમાં 10 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. ત્યાંરે આગામી તા. 2થી 4 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી હોવાની સાબરકાંઠા જિલ્લાના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરિણામે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. જેથી ખેડૂતોને ખાસ કાળજી રાખવાની સૂચના અપાઇ છે

ખેડૂતોને હાલમાં બીટી કપાસમાં પાક તૈયાર થયેલો હોવાથી તૈયાર કપાસને તાત્કાલિક ધોરણે કરી વીણી લઇને કપાસ સલામત જગ્યાએ રાખવા ઉપરાંત ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક જેવા કે કઠોળ, શાકભાજી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. તેમ જ ઘાસચારો વગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવા અથવા તો તાડપત્રી ઢાંકીને રાખવો અન તાડપત્રી હાથ વગી રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં એમ પણ જણાવાયું છે કે, વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ વેચાણ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જતી વખતે પણ ખેત જણસીઓ ઢાંકીને લઇ જવી. તેની સાથે એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારીઓને વિનંતી કરી છે. જયારે પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહીં તેની કાળજી રાખવી. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાઇજી વગેરે તૈયાર હોય તો તરત જ ઉતારી લેવા અને ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ રાખવો.

આ ઉપરાંત ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય અને ઊભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે સલામતિ માટેની વ્યવસ્થા રાખવા સૂચવ્યું છે.

(8:08 pm IST)