Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગાંધીનગર જિલ્લાના શિહોલીમોટી ગામમાં છેલ્લા એક મહિનાથી ડહોળું પાણી આવતા ગ્રામજનોને હાલાકી

ગાંધીનગર: જિલ્લાના શિહોલીમોટી ગામમાં છેલ્લા એક મહિનાથી ડહોળુ પાણી આવવાની સમસ્યા સર્જાઇ છે. જેના પગલે ગ્રામજનોને રોગચાળાના ભય હેઠળ પાણી પીવાની નોબત આવી છે. અવાર નવાર રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતાં ગ્રામજનો રોષ પ્રગટ કરી રહ્યાં છે.

શિહોલીમોટી ગામમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થવાના કારણે ગ્રામજનોને ડહોળુ પાણી પીવાની નોબત આવી છે. ગામમાંથી પસાર થતી પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે આ સમસ્યાથી થવાથી દરેક ઘરમાં નળવાટે ડહોળું પાણી આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી આ પીવાનું પાણી પીવાલયક નહીં આવતાં સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા ડહોળા પાણીની સમસ્યા દુર થાય તે માટે કોઇ કામગીરી નહીં કરતાં ગ્રામજનોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ યુક્ત આવતું હોવાના કારણે ગ્રામજનોને દુર્ગંધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા કામગીરી નહીં કરાતાં સ્થાનિકોમાં રોષ પણ ઉભો થયો છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં લવાય તો રોગચાળાનો સામનો પણ ગ્રામજનોને કરવો પડશે જેથી પાણીની લાઇનમાં સમારકામ કરીને દુર્ગંધ યુક્ત પાણીને અટકાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

(5:07 pm IST)