Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સુરતના હજીરા રોડ નજીક એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલ શખ્સને મદદ કરવાના બહાને ગઠિયો કાર્ડ બદલી 91 હજાર તફડાવી ગયો

સુરત: શહેરના હજીરા રોડના ભટલાઇ ગામ ત્રણ રસ્તા ખાતે આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા જનાર પરપ્રાંતીય યુવાનને મદદ કરવાના બ્હાને ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી લઇ ટુકડે-ટુકડે 91 હજારની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતો બિરેન્દ્ર શીવનાથ યાદવ (ઉ.વ. 34 રહે. કાંતીભાઇ પટેલના રૂમમાં, ભટલાઇ ગામ અને મૂલ હરિહરપુર લાલગર ગામ, તા. તરવારા, જિ. શિવાન, બિહાર) ગત તા. 6 ડિસેમ્બરે ભટલાઇ ગામ ત્રણ રસ્તા સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. બિરેન્દ્રને એટીએમમાંથી રોકડ ઉપાડતા આવડતું ન હોવાથી તે હંમેશા તેના પરિચીતને સાથે લઇ જતો હતો. પરંતુ તા. 6 ના રોજ બિરેન્દ્ર એકલો ગયો હતો અને રોકડ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોકડ ઉપાડી નહીં શકતા એટીએમમાં રોકડ ઉપાડવા આવનાર યુવાનની મદદ લઇ 5,000 ઉપાડયા હતા. દરમિયાનમાં બિરેન્દ્ર રોકડ ગણી રહ્યો હતો ત્યારે યુવાને ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલી લીધો હતો. 

ત્યાર બાદ બે દિવસ અગાઉ બિરેન્દ્ર પુનઃ રોકડ ઉપાડવા ગયો હતો ત્યારે રોકડ ઉપાડી શકયો ન હતો અને એટીએમ કાર્ડ પર ચંદન પટેલ નામની વ્યક્તિનું હતુ. તે જોઇ ચોંકી ગયો હતો અને તુરંત પોતાનું જયાં ખાતું હતું તે એસબીઆઇ બેંકના મેનેજરનો સંર્પક કરી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. સ્ટેટમેન્ટ ચેક કરતા મદદ કરવાના બહાને ગઠિયાએ કાર્ડ બદલી તા. 8થી 20 ડિસેમ્બર દરમિયાન ટુક્ડે- ટુક્ડે 91,000ની મત્તા ઉપાડી લીધી હોવાનું જણાતા આ અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:06 pm IST)