Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ટેક્‍નોલોજીકલ ક્ષેત્રે સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્‍સાહન મળે તે માટે જીટીયુ દ્વારા ‘સીડ મની' પ્રોજેક્‍ટનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ટેક્નોલોજીકલ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. જેના ઉપલક્ષે રીસર્ચર્સને રીસર્ચ સંબધિત તમામ પ્રકારની સગવડ મળી રહે તે હેતુસર, GTU દ્વારા રાજ્યમાં 4 સ્થળે GTU ઈનોવેશન સેન્ટર સ્થાપવામાં આવેલા છે.

આ ઉપરાંત પણ અનેક પ્રકારે GTU ઈનોવેટર્સને મદદરૂપ થાય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21થી રીસર્ચર્સ અને ઈનોવેટર્સને રીસર્ચમાં આર્થિક રીતે સહભાગી થવા અર્થે GTU ઈન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલ (IQAC) દ્વારા “સીડ મની” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, ઈનોવેશન અને રીસર્ચ સરકારના “આત્મનિર્ભર ભારત” અભિયાનમાં અગત્યના એકમ છે. GTU દ્વારા પણ ઈનોવેટર્સ અને રીસર્ચર્સને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

GTU સંચાલિત પીજી ભવનોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને રીસર્ચ અને ઈનોવેશનમાં પ્રોત્સાહન મળે તથા આર્થિક રીતે પણ મદદરૂપ થવા માટે “સીડ મની” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે . જેમાં રીસર્ચર્સ વિદ્યાર્થીઓને 25000 અને પ્રોફેસર્સને 1 લાખ સુધીની મર્યાદામાં GTU દ્વારા ગ્રાંન્ટ આપવામાં આવશે. દરેક શૈક્ષણિક વર્ષ દરમિયાન 1:10નો રેશિયો જાળવીને વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સના રીસર્ચ પ્રોજેક્ટની પસંદગી કરીને ગ્રાંન્ટ ફાળવવામાં આવશે.

GTU ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી, એન્જિનિયરીંગ , મેનેજમેન્ટ તથા જીપેરીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને આ લાભ મળવાપાત્ર થશે. આ ઉપરાંત શ્રેષ્ઠ રીસર્ચ પ્રોજેક્ટને નેશનલ ફંડિગ એજન્સી દ્વારા પણ લાભ મળે અને તેની પેટર્ન રજીસ્ટર્ડ થાય તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે આઈક્યુએસી હેડ ડૉ. એસ. ડી. પંચાલ અને કો-ઓર્ડીનેટર પ્રો. કૌશલ ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતાં.

(4:47 pm IST)