Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદના બોપલમાં લોખંડના થાંભલા ઉપર અમુલની જાહેરાતના બોર્ડને અઢી જતા વિજ શોકથી યુવકનું મોત થતા 5 મહિના બાદ દુકાનના સંચાલક સામે ગુન્‍હો

અમદાવાદ: અમદાવાદ શહેરના બોપલમાં જે.બી.પાર્કની આગળ આવેલી દુકાન પાસે લોખંડના થાંભલા પર અમૂલની જાહેરાતનું બોર્ડ લાગેલું હતું. આ થાંભલાને હાથ અડકી જતા કરંટ લાગવાથી 5 માસ પહેલા યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે દુકાનના સંચાલક વેપારી વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ, બોપલના “સેલ્સ ઇન્ડિયા” પાછળ જે.બી.પાર્કમાં રહેતા દેવીલાલ માંગાજી યાદવ (ઉં,45) કન્સ્ટ્રકશન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 6-7-2020ના રોજ વરસાદની સિઝનમાં વરસાદ રોકાઈ ગયા બાદ દેવીલાલનો પુત્ર ગોવિંદ(ઉં,18) ઘરની બહાર નીકળ્યો હતો.

જે.બી.પાર્કની બહાર દિવ્યદર્શન એન્ટરપ્રાઈઝ નામે ચાલતા અમૂલ પાર્લર પાસે અમૂલની જાહેરાતનું બોર્ડ લોખંડના થાંભલા પર લાગેલું હતું. ગોવિંદનો હાથ આ થાંભલાને અડકી જતા કરંટ લાગતા તેનું સ્થળ પર મોત થયું હતું. સાંજે 6.30 વાગ્યે બનેલા બનાવ અંગે બોપલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આ પાર્લરના સંચાલક દર્શન જગદીશ મોદી હોવાનું ખુલ્યું હતું. દર્શનભાઈએ તેમની દુકાનમાંથી ગેરકાયદે રીતે ઈલેક્ટ્રીક વાયર ખેંચી અમૂલ પાર્લરની જાહેરાત માટે લોખંડના થાંભલા મૂકી તેની પર અમૂલનું બોર્ડ લગાવી લાઈટિંગ કર્યું હતું.

વેપારી દર્શનભાઈએ સ્થળ પર અવરજવર કરતા લોકોનો વિચાર કર્યા વગર લોખંડના થાંભલા પર પીવીસી પાઈપ લગાવ્યા વગર જાહેરાતનું બોર્ડ લગાવી લાઈટિંગ કરી બેદરકારી દાખવતા ગોવિંદનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ બનાવ અંગે બોપલ પોલીસે મૃતક ગોવિંદના પિતાની ફરિયાદ આધારે વેપારી વિરુદ્ધ સઅપરાધ ગુનો નોંધ્યો છે.

(4:47 pm IST)