Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદમાં આગની ઘટના બાદ વિસ્‍ફોટક ઇથીલીન ઓક્‍સાઇડનો જથ્‍થો રાખનારા સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગણી

ગાંધીનગર: શહેરમાં દારુ-જુગારની બદી ચલાવીને ગુનાહિત પ્રવુતિ કરતાં તત્વો તથા લોકોને રંજાડવા બદલ અસામાજિક તત્વો સામે પાસા કરીને તેમની સામે કડક પગલાં લેવામાં આવે છે. તેજ રીતે કેમિકલ માફીયા, કે જેઓ પોતાના અંગત અને આર્થિક સ્વાર્થ ખાતર સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકે છે. તેમની સામે પણ પાસા દાખલ કરીને દાખલો બેસાડવા માટે શહેર પોલીસ કમિશનર સમક્ષ એક નાગરિક તરફથી અરજી કરાઇ છે.

શહેરના ચમનપુરા વિસ્તારની ગાંધીની ચાલીમાં રહેતાં સંજય એસ. શર્માએ શહેર પોલીસ કમિશનરને લખેલા પત્રની નકલ ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્યમંત્રી, ગુહ રાજયમંત્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિત વિવિધ સત્તાધીશોને મોકલી છે.

આ પત્રમાં જણાવ્યું છે કે, “અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી મોટી આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. જેમાં અનેક શહેરીજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં વટવાની માતંગી,જેકસન, રીકીન અને ભાવિન ઇન્ડસ્ટ્રીમાં જયારે આગ લાગી હતી, ત્યારે અધિકારીઓને જાણ થઇ ગઇ હતી કે કંપનીમાં અત્યંત જવલનશીલ અને વિસ્ફોટક એવા ઇથીલીન ઓકસાઇડનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેથી ફાયર બ્રિગેડ દ્વારા ફાયર કોલ આપવામાં આવ્યો હતો.

સદનસીબે જયાં આગ લાગી ત્યાં ઇથીલીન ઓકસાઇડ નહીં હોવાથી એક મોટી ઘાત ટળી હતી. જો કે આ ઘટના બાદ કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ એ વાત સમજી ગયા છે કે, જો આગ ઇથીલીન ઓક્સાઇડ સુધી પહોંચી હોત તો વટવા GIDCનું અસ્તિત્વ જ પુરુ થઇ ગયું હોત. એટલું જ નહીં, આજુબાજુના વિસ્તારો સ્મશાન ઘાટમાં ફેરવાઇ ગયા હોત.”

આથી આવી ફેકટરીઓને અમદાવાદથી દૂર ખસેડવાની માંગણી ઉઠી છે. આ ઘટનાને લાલબત્તી સમાન ગણી હવે ચોક્કસ પગલા લેવાનો સમય આવી ગયો છે. જેથી શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા માટે જેમ ગુનાહિત પ્રવુતિ કરતાં તત્વો સામે તેમ જ લોકોને રંજાડતાં અસામાજિક તત્વો સામે પાસા કરીને કડક પગલાં લેવામાં આવે છે. તે જ રીતે સેંકડો લોકોના જીવને જોખમમાં મૂકી રહેલાં કેમિકલ માફિયાઓ સામે પણ પાસા દાખલ કરવી જોઇએ તેવી માંગણી કરી છે.

(4:46 pm IST)