Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદમાં મારૂતિ સુઝુકી કંપનીની નવી ઇકો કાર તસ્‍કરોની ઝપટે ચડીઃ 14 લાખના સાયલેન્‍સરની ચોરી

અમદાવાદ: મારુતિ સુઝુકી કંપનીની ઈકો કાર છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની ઝપટે ચડી છે. રાજ્યના જુદા-જુદા જિલ્લા અને શહેરમાંથી ઈકો કારના સાઈલેન્સરની ચોરી થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. સરખેજ વિસ્તારમાં શાંતિપુરા સર્કલથી સાણંદ રોડ પર આવેલા કિરણ મોટર્સના ગોડાઉનમાંથી એક સાથે 22 ઈકો કારના સાઈલેન્સર ચોરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પોલીસે રૂ.14.30 લાખના સાઈલેન્સરની ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના મોટી ભોયણ ખાતે રહેતા અને કિરણ મોટર્સમાં ફોરવ્હીલ ગાડીઓના સ્ટોકેડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અશ્વિની નવલ શર્મા (ઉં,46)એ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, સાણંદ રોડ પર ઉત્તર તરફ ખુલ્લા ખેતરમાં કિરણ મોટર્સનું ગોડાઉન આવેલું છે. આ જોડાણ ફરતે તાર ફેન્સીંગ, CCTV કેમેરા, લાઇટની વ્યવસ્થા તેમજ સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે. આ ગોડાઉનમાં કંપનીની નવી નક્કોર કાર રાખવામાં આવે છે.

ગત તા.24-12-2020ના રોજ કંપનીના ડ્રાઈવર ભાવેશભાઈએ અશ્વિનીભાઈને ફોન કર્યો હતો. ભાવેશભાઈએ જણાવ્યું કે તેઓ ગ્રાહકને ડિલિવરી આપવા માટે કંપનીના સાણંદ રોડ પરના ગોડાઉન પર ઈકો કાર લેવા પહોંચ્યા હતા. કાર ચાલુ કરતા ખબર પડી કે,સાઈલેન્સર નથી આથી બીજી ગાડી ચાલુ કરી તેમાં પણ સાઈલેન્સર ન હતું. આ રીતે તમામ 22 ઈકો કારમાંથી રૂ.65 હજારનું એક એવા રૂ.14.30 લાખની મતાના 22 સાઈલેન્સરની ચોરી થઈ હતી.

આ મુદ્દે અશ્વિનીભાઈ સહિતના સ્ટાફે 5 દિવસના CCTV ચેક કર્યા પણ કઈ જોવા મળ્યું ન હતું. આ બનાવ અંગે મંગળવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં અશ્વિનીભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

(4:46 pm IST)