Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદમાં કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્‍યકિતએ શ્વાસની તકલીફ હોવાથી માસ્‍ક ન પહેર્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યા બાદ ભાંડો ફૂટતા કાર્યવાહી

અમદાવાદઃ સેટેલાઇટ પોલીસે નેહરૂનગર પાસે કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી ગાડી રોકી હતી. માસ્ક ન પહેરનાર વેપારીએ પોતાને શ્વાસની તકલીફ હોવાથી માસ્ક ન પહેર્યાનું રટણ કર્યું હતું.

પોલીસને દવાનું લિસ્ટ પણ વેપારીએ મોબાઈલ ફોનમાં બતાવ્યું હતું. જોકે ચાલાક પોલીસે દવા અંગે મેડિકલ સ્ટોરમાં પૂછતાં દવાના વેપારીએ પોલીસે બતાવેલા લિસ્ટમાં કોઈ શ્વાસની દવા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે વેપારીની પોલ ખુલતા દંડ ભરવાનું કહેતા વેપારીએ ઇન્કાર કર્યો, બીજી તરફ વેપારીની પુત્રીએ વીડિયો બનાવ્યો અને પત્નીએ પણ અપશબ્દો બોલી વકીલ હોવાનો દમ માર્યો હતો. પોલીસે ત્રણે જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનની નેહરુનગર પાસે આવેલી ટાગોર પાર્ક પોલીસ ચોકીના એએસસાઈ અમિતભાઇ નારણભાઈએ વાસણાની ચન્દ્રશીલા સોસાયટીમાં રહેતા વિપુલ સુરેન્દ્ર પંડિત, તેની પત્ની વર્ષાબહેન અને પુત્રી મિમાંશા વિરુદ્ધ પોલીસને અપશબ્દો બોલી કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં કારમાં સવાર વિપુલભાઈએ માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ભરવા પોલીસે કીધું હતું. વિપુલભાઈએ શ્વાસની તકલીફ બતાવી દવાનું લિસ્ટ પોલીસને બતાવ્યું હતું. દવાની દુકાનવાળાએ લિસ્ટમાં જે દવા છે તે શ્વાસની નથી.

પોલીસ મેમો ભરાવવા કાર્યવાહી કરતા વિપુલભાઈએ દંડ ભરવાનો ઇન્કાર કર્યો, તેમની પત્નીએ હાઈકોર્ટમાં વકીલ હોવાનું કહી પોલીસને દમ માર્યો તેમજ પુત્રીએ પોલીસ કામગીરીનો વીડિયો ઉતાર્યો હતો.

સેટેલાઈટ પોલીસે દંપતી અને તેમની પુત્રીની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દંપતીએ પોલીસને સહકાર આપવાની જગ્યાએ અપશબ્દો બોલ્યા તેમજ ધાકધમકી આપી હતી. (પ્રતિકાત્મક ફોટો)

(4:45 pm IST)