Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સરકારી કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી રાખવા મુદ્દે રાજયનાં મુખ્ય સચિવને નોટીસ

૩૦ દિવસમાં જવાબ આપવા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગનો આદેશ

ગાંધીનગર,તા.૩૦: બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની છબી દરેક સરકારી કચેરીઓમાં  પ્રદર્શિત કરવા માટે છેલ્લાં કેટલાંક સમયથી દલિત અધિકાર મંચ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે આયોગ તરફથી રાજયના મુખ્ય સચિવને નોટિસ કાઢીને આ અંગે ૩૦ દિવસમાં અહેવાલ પાઠવવા જણાવ્યું છે.

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિશ્વ વિભૂતિ અને મહિલાઓના અને દબાયેલા, કચડાયેલા તથા ગરીબોના ઉધ્ધારક અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ દેશમાં ગૌરવપૂર્ણ રીતે લેવાય અને સૈ તેમના અને તેમના કામને ગૌરવપૂર્ણ રીતે યાદ કરે તેમ જ તેઓએ જે દેશની સેવા કરી છે તેના માન અને સન્માનરૂપે ગૌરવપૂર્ણ રીતે તેઓને યાદ કરી તેઓના પરિનિર્વાણ દિન નિમિત્તે તેઓને ગુજરાત સરકાર દ્રારા રાષ્ટ્રીય નેતાની યાદીમાં સમાવેશ કરવા અમારી માંગ છે.

આ અંગે રાજય સરકાર દ્રારા ૨૮/૬/૧૯૯૬ના ઠરાવ મુજબ સરકારી કચેરીઓમા રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવમાં સંવિધાન નિર્માતા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. જેથી અમે આ અંગે રાજયપાલ સમક્ષ રાજયની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મૂકવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી હતી.

આ રજૂઆતનો પત્ર રાજયપાલની કચેરી દ્વારા સામાન્ય વહીવટ વિભાગને તબદિલ કરવામાં આવ્યો હતો. જેના પગલે સામાન્ય વહીવટ વિભાગ તરફથી અમોને મોકલવામાં આવેલી ઠરાવની નકલમાં ડો. બાબા સાહેબ આંબેડકરનો સમાવેશ થયો નથી. જેથી રાજયની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી પ્રદર્શિત કરવા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જરૂરી સુધારો કરી રાષ્ટ્રીય નેતાની યાદીમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને સ્થાન આપવા અંગે જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવાની દાદ માંગી છે.

ગુજરાત સરકાર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ કરીને તેમનું સન્માન અને ગૌરવ વધારવા વિનંતી કરી છે. આ ફરિયાદના પગલે આયોગ દ્વારા રાજયના મુખ્ય સચિવ સામે નોટિસ કાઢવામાં આવી છે.

(3:45 pm IST)