Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

તમામ ચૂંટણીઓનું મતદાન - પરીણામ એક જ દિવસે એક સાથે જાહેર કરો

અમિતભાઇ ચાવડા -પરેશભાઇ ધાનાણી સહિતના કોંગી આગેવાનોની ચૂંટણીપંચને રજુઆત : મતદારયાદીની અંતિમ પ્રસિધ્ધી અને નામાંકનપત્ર રજુ કરવામાં સાતનો અંતર રાખોઃ કોઇપણ પક્ષ સાથે પક્ષપાત ન રાખો, સંવેદીનશીલ મતદાનમથકો બદલવા અગાઉ તમામ રાજકીયપક્ષો સાથે ચર્ચા કરો

અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનો ચૂંટણીપંચને મળ્યા :  (અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ અમિતભાઇ ચાવડા, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ આજે ચૂંટણીપંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કોંગીના આગેવાનોએ અનેક રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગરઃ તા.૩૦, ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલીકાની તમામ ચૂંટણીઓનું મતદાન અને પરીણામ પણ તે જ દિવસે જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા, વિપક્ષી નેતા શ્રી પરેશભાઇ ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ચૂંટણીપંચને  મળી રજુઆત કરી હતી.

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ ૭૩માં બંધારણીય સુધારા બાદ સરકારનું ત્રીજુ અંગ બનેલ છે અને બંધારણના અનુચ્છેદ ૩૨૪ની જોગવાઈ પ્રમાણે મુકત અને ન્યાયી ચૂંટણી યોજવાની બંધારણીય ફરજ ચૂંટણી આયોગ ઉપર લદાયેલ છે. જેને અનુસંધાને ૨૦૨૧ની સાલમાં થનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુકત, ન્યાયીક અને સ્વતંત્ર રીતે યોજાય તે આવશ્યક છે. આયોગ એની આ જવાબદારીમાંથી વિચલીત નહીં થાય તેમ છતાં ભૂતકાળના અનુભવો ઉપરથી એવુ લાગે છે કે, કયાંક ભૂલો થયેલી જેનુ પુનરાવર્તન ના થાય અને આયોગ સરળતાથી ન્યાયીક અને સ્વતંત્ર રીતે મુકત ચૂંટણીઓ માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સંચાલન કરે તે ખુબ જ અગત્યનું છે. એ પરીપેક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોગના ધ્યાન ઉપર સ્પષ્ટ અને ન્યાયીક અભિગમ અપનાવે તે અતિ આવશ્યક છે.

 સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની અગાઉની ચૂંટણીઓ એક સાથે એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ એકીય સાથે યોજવામાં આવેલ જેને લઈને સરકારી તિજોરી ઉપરનો ખર્ચ, વ્યવસ્થા જાળવવા તેમજ સંચાલન સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ કે અમલદારોની સેવાઓનો યોગ્ય રીતે ઉપયોગ આયોગ દ્વારા થયેલ તે પ્રમાણે સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓની કાનુની સમય અવધી એકીય સાથે નવેમ્બર-ડીસેમ્બર ૨૦૨૦માં પુર્ણ થયેલ છે અને અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે ટર્મ એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમયઅવધી વધારવાનો કાયદામાં કયાય જોગવાઈ ન હોઈ વહીવટદારો નિમવામાં આવેલ છે. આ સંજોગોમાં નાગરીકો પોતાની રીતે નાગરીક સંસ્થાઓનો વહીવટ નાગરીકો દ્વારા થાય તે લોકશાહીનું હાર્દ છે અને તેથી તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તે અતિ આવશ્યક અને લોકશાહી પ્રણાલી અને હાર્દ હોઈ સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓ જેવી કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનું મતદાન એક જ દિવસે-એકસાથે થાય અને પરીણામ જાહેર પણ એક જ દિવસે થાય તે માટે જરૂરી એક જ જાહેરનામાથી યોજવામાં આવે તેવા આદેશ કરવા માંગણી અને વિનંતી કરી હતી. વધુમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધી અને નામાંકનપત્ર રજુ કરવાની પ્રથમ દિવસ વચ્ચે ઓછામાં ઓછો ૭   દિવસનો અંતર રાખવા, જે કાયદાઓમાં જોગવાઈ છે, તે પ્રમાણે રાખવા હુકમ કરવા   તેમજ મતદાનનો દિવસ અને મતગણતરી એક સાથે થાય તે સમયનો તકાજો હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે.

 લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૦માં મતદાર યાદીઓ તૈયાર કરવા બાબતની સંપૂર્ણ જોગવાઈઓ થયેલી છે. ગુજરાત મ્યુનિ. કોર્પોરેશન એકટ ૧૯૪૯, ગુજરાત મ્યુનિસિપાલીટીસ એકટ ૧૯૬૩ તેમજ ગુજરાત પંચાયત એકટ ૧૯૯૩માં જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં મતદાર યાદી બાબતે જે જોગવાઈઓ થયેલી છે તેને ધ્યાનમાં લેતા ચૂંટણી આયોગ દ્વારા તૈયાર થયેલી અપડેટ થયેલી અને સુધારાયેલી છેલ્લી વસ્તી ગણતરીના આકડાંને ધ્યાનમાં લઈ તૈયાર કરેલી વિધાનસભા મતદાર વિભાગ માટે તૈયાર થયેલી યાદીઓ માત્ર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં જે તે વિભાગમાં તે જ રીતે ઉપયોગ કરવાની જોગવાઈ છે. કેટલીક વિસંગતતાઓ ૨૦૧૫ની ચૂંટણીઓ દરમ્યાન ઉજાગર થયેલ અને અસંતોષનું વાતાવરણઉપસ્થિત થયેલું જે દેખીતી રીતે મદદનીશ ઈલેકટ્રોરેટ અધિકારીની અપૂરતી જાણકારીને લઈને તેમજ સીમાંકન બાબતની ગેરસમજને લઈને જે તે નગરપાલિકાના, મહાનગરપાલિકા, પંચાયતોના વોર્ડના સીમાંકન સિવાયના વિસ્તારોના નામ રદ કરી નાખવામાં આવેલા અને જે તે સંલગ્ન વોર્ડમાં ફેરબદલ કરવામાં આવેલ નહીં. આ અક્ષમ્ય ભૂલ લોકપ્રતિનિધિની ધારા ૧૯૫૦માં થયેલ જોગવાઈઓ વિરૂદ્ઘ છે. તેનું પુનરાવર્તન ન થાય તેવી બાંહેધરી કે ધરપત અચૂક આપવા  અને આસીસ્ટન્ટ ઈલેકટ્રોરેટ અધિકારી કે જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાના મુખ્ય અધિકારી જેમકે મ્યુનિ. કમિશ્નર, ચીફ ઓફીસરશ્રીઓ કે જીલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ કે સંબંધીત કલેકટરશ્રીઓ કે નગરપાલિકાઓના ચીફ ઓફીસરશ્રીઓ તેઓની સ્વવિવેકની સત્ત્।ાઓનો ઉપયોગ મતદારોના નામ જે તે વોર્ડ વિભાગમાંથી રદ કરવા કોઈ કાર્યવાહી ન કરે તેવી સ્પષ્ટ સુચના યોગ્ય ચૂંટણી સંચાલન માટે આપવા રજુઆતમાં જણાવેલ.

 જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સીમાંકન સમયે બેઠકો અનામત કરવાના પ્રસંગે કે અનામત બેઠકો જાહેર કરવાના પ્રસંગે કાયદાથી નિહિત થયેલી જોગવાઈઓ પ્રમાણે આ સત્ત્।ા માત્ર અને માત્ર ચૂંટણી આયોગમાં નિહિત થયેલી છે તેમ છતાં રાજય સરકાર આ બાબતે અયોગ્ય દખલગીરી કરી તેના તાબાના અધિકારીઓને તે અંગે પક્ષપાતી રીતે ફેરબદલી ક્રમાંકમાં કે ફાળવણીમાં કરી નાખે છે અને ચૂંટણી આયોગ આ બાબતોને નજરઅંદાજ કરે છે જે વ્યાજબી ન ગણી શકાય. આ સંબંધમાં રાજય સરકાર દ્વારા, જે તે વિભાગના સચિવ દ્વારા કે વિકાસ કમિશ્નરશ્રીના અયોગ્ય ચંચુપાતનો શિકાર ન બને તે ધ્યાનમાં રાખવા પણ જણાવેલ.

 મતદાન માટે જે મતદાન બુથો આયોગ દ્વારા જે તે નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાના મુખ્ય અધિકારીઓ સાથેના પરામર્શથી નક્કી કરવામાં આવે છે તેમાં સંવેદનશીલ મતદાનમથકો જયારે બદલવા બાબતની રજુઆતો થાય છે ત્યારે તેને નજરઅંદાજ કરાય છે જે વ્યાજબી રજુઆતો સંવેદનશીલ મતદાનમથકો નક્કી કરવા માટે પરામર્શનો વ્યાપ્ત મુકત અને ન્યાયીક ચૂંટણી યોજવાના આશય સાથે રાજકીય પક્ષો સાથે પણ પરામર્શ થાય તે અતિઆવશ્યક છે.

 પ્રચારના બીજા આવશ્યક બાબતો અંગે હરીફ રાજકીય પક્ષોને ચૂંટણી સંચાલન સાથે સંકળાયેલા અધિકારીઓ અયોગ્ય રીતે હેરાન કરવાની નીતિ ન અપનાવે અને પ્રચાર, પડદા, પોસ્ટર, ભીત પત્રો દ્વારા કરવા બાબતે સરળ નિયમો સમાન રીતે લાગુ કરવા તેમજ અધિકારીઓની દખલગીરીનું નિયમન કરવા બાબતે સ્પષ્ટ સુચનાઓ અને આદેશો જારી કરવા કોંગી આગેવાનો શ્રી અમિતભાઇ ચાવડા (પ્રમુખ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), શ્રી પરેશ  ધાનાણી (વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા) અને શ્રી શૈલેષ પરમાર  (ઉપનેતા ગુજરાત વિધાનસભા) સહિતના કોંગ્રેસના આગેવાનોએ રજુઆતના અંતમાં જણાવ્યું હતુ.

(3:43 pm IST)