Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સ્થાનિક સ્વરાજ્ય સહિતની ચૂંટણીએ ન્યાયીક વાતાવરણમાં યોજવા કોંગ્રેસની માંગણી

ગ્રામ્ય - તાલુકા - જીલ્લા પંચાયત - નગરપાલિકા - મહાનગરપાલિકાની ચૂંટણી એક જ દિવસે કરવા રાજ્ય ચૂંટણી કમિશ્નરને અમિત ચાવડા, પરેશ ધાનાણીની આગેવાનીમાં રજૂઆત

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિતનાએ ગાંધીનગર ખાતે રાજ્યના ચૂંટણી કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવીને સ્થાનિક સ્વરાજ્ય સહિતની ચૂંટણીઓ ન્યાયીક વાતાવરણમાં યોજવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ૨૦૨૧ની સાલમાં થનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુકત, ન્યાયીક અને સ્વતંત્ર રીતે યોજાય તે આવશ્યક છે. આયોગ એની આ જવાબદારીમાંથી વિચલીત નહીં થાય તેમ છતાં ભૂતકાળના અનુભવો ઉપરથી એવુ લાગે છે કે કયાંક ભૂલો થયેલી જેનુ પુનરાવર્તન ના થાય અને આયોગ સરળતાથી ન્યાયીક અને સ્વતંત્ર રીતે મુકત ચૂંટણીઓ માટેનુ યોગ્ય વાતાવરણ તેમજ સંચાલન કરે તે ખૂબ જ અગત્યનું છે. એ પરીપેક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોગના ધ્યાન ઉપર નીચેની બાબતો વિશે સ્પષ્ટ અને ન્યાયીક અભિગમ અપનાવે તે અતિ આવશ્યક છે.

પરેશભાઇ ધાનાણી, અમિતભાઇ ચાવડા, શૈલેષ પરમાર સહિતનાએ આવેદનમાં જણાવ્યું છે કે તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તે અતિ આવશ્યક અને લોકશાહી પ્રણાલી અને હાર્દ હોઇ સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓ નેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નાગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનું મતદાન એક જ દિવસે-એકસાથે થાય અને પરિણામ જાહેર પણ એક જ દિવસે થાય તે માટે જરૂરી એક જ જાહેરનામાથી યોજવામાં આવે તેવા આદેશ કરવા માંગણી અને વિનંતી છે. વધુમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ અને નામાંકનપત્ર રજુ કરવાની પ્રથમ દિવસ વચ્ચે ઓછામાં ઓછો ૭ (સાત) દિવસનો અંતર રાખવા, જે કાયદાઓમાં જોગવાઇ છે તે પ્રમાણે રાખવા હુકમ કરવા વિનંતી છે તેમજ મતદાનનો દિવસ અને મતગણતરી એકસાથે થાય તે સમયનો તકાજો હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્પષ્ટ માંગણી કરે છે અને તે પ્રમાણેનું ચૂંટણી સંચાલન અને ચૂંટણીઓ યોજાય તેવા આદેશો થાય તે જરૂરી છે.

(3:42 pm IST)