Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મનસુખ વસાવા માની ગયા : રાજીનામુ પરત ખેંચી લીધુ

દિલ્હીમાં સારવાર કરાવવાની વિજયભાઇ રૂપાણીની સલાહ

ગાંધીનગર તા. ૩૦ : ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેચી લીધુ છે. મનસુખ વસાવાએ કહ્યુ કે, સરકાર કે પક્ષ સામે કોઇ નારાજગી નથી. મનસુખ વસાવાએ કહ્યુ કે, તબીબે મને આરામ કરવાની સલાહ આપી છે, સીએમે મને વાત કરી છે અને કહ્યુ કે દિલ્હીમાં તમે ટ્રીટમેન્ટ કરાવો.

મનસુખ વસાવાએ કહ્યુ કે, મને ગરદનમાં તકલીફ છે, તબીબોએ મને ૬ મહિના ટ્રીટમેન્ટ કરાવવાનું કહ્યુ છે. કામ કરતા કરતા ચક્કર પણ આવી જતા હોય છે. પાર્ટીએ મને કહ્યુ કે- તમે ચિંતા ના કરો તમારી કામગીરી સંગઠનના અન્ય લોકો સંભાળશે.

મનસુખ વસાવાને લવ જેહાદ મામલે લંડનથી ધમકી મળી હતી. આ મામલે ભાજપ સાંસદે પોલીસને જાણ કરી છે અને ફરિયાદ નોંધાવી છે. મનસુખ વસાવાએ કહ્યુ હતું કે, ગુજરાતમાં પણ 'લવ જેહાદ'નો કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી 'લવ જેહાદ' જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે. મારી પાસે એવા પણ દાખલા છે કે, કોઈ હિંદુ યુવતી નાની-મોટી નોકરી કરતી હોય તો એની મજબૂરીનો ફાયદો ઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે. ૨-૩ પત્ની ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવી મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરાવે છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.એમણે મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે.મેં મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

(1:14 pm IST)