Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદ મનપાએ કહ્યું - સફાઇ કર્મચારીઓની હડતાળ સમેટાઇ, આંદોલનકારીઓએ કહ્યું - હડતાલ હજુ યથાવત

અમદાવાદ: શહેરમાં ચાલી રહેલી સફાઇ કામદારોની હડતાળ સમેટી લેવાના નિર્ણય અંગે દ્વિધા ચાલી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેસનોટ કરીને જાહેર કર્યું કે નોકર મંડળ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે, જ્યારે વાલ્મિકી એકતા સમિતિના મીડિયા કન્વીનર સુનીલ વાઘેલા એ જણાવ્યું કે હડતાલ હજુ ચાલુ છે.

 સફાઈ કામદારોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ ડેપ્યુટી કમિશનની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મુકેશ ગઢવી, દિલીપ રાણા, આર્જવ શાહનો સમાવેશ થાય છે. આ કમિટીએ આજે મંગળવારના રોજ સફાઈ કામદારોના યુનિયન સાથે મીટિંગ કરી હતી. જેમાં સફાઈ કામદારોએ 5 મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ કમિટી દ્વારા મીટીંગ કમિશનરને સફાઈ કામદારોના મુદ્દાઓ અંગે ભલામણ કરવામાં આવશે.

સફાઈ કામદારનો મુખ્ય મુદ્દો વારસાઈ એટલે કે સફાઈ કામદારના વારસદારને તેમના બદલામાં નોકરી આપવા અંગેનો છે. જેમાં કમિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, આ નીતિ વિષયક નિર્ણય છે તેમજ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમાં વહીવટદાર છે જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેઓ નીતિ વિષયક નિર્ણય લઈ શકે નહીં જેથી આ કમિટી દ્વારા જ્યારે ઇલેક્શન પૂર્ણ થશે ત્યાર બાદ જે નવી ચૂંટાયેલી પાંખ આવશે તેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દાઓને રજૂ કરવામાં આવશે.

(10:57 pm IST)