Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદના ૨૦ ટકા જેટલા થિયેટર્સના શટર પડવાની વકી

કોરોના કાળમાં થિયેટર્સનાં વળતાં પાણી : દર બીજી સીટ ખાલી રાખવાના નિયમને લીધે ખુબ ઓછા લોકો ફિલ્મ જોવા આવતા હોઈ માલિકોની કફોડી સ્થિતિ

અમદાવાદ, તા. ૨૯ : નાઈટ કર્ફ્યુ, નવી ફિલ્મો રિલીઝ ના થવી, તેમજ દર બીજી સીટ ફરજિયાત ખાલી રાખવાના નિયમને કારણે અમદાવાદના સિનેમાગૃહો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરના એક સિનેમા હાઉસના માલિક અને ડિસ્ટ્રિબ્યૂટરના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જ ૧૫-૨૦ ટકા જેટલા થિયેયરોને તાળાં લાગી જાય તેવી સંભાવના છે. છેલ્લા ઘણા મહિનાથી થિયેટરો જંગી નુક્સાન સામે ખાસ આવક નથી મેળવી રહ્યા, તેવામાં તેમના માલિકો ધંધો આટોપી લેવા વિચારી રહ્યા છે.

અમદાવાદમાં ૧૯ સ્ક્રીનનું સંચાલન કરતા સિટી ગોલ્ડ મેનેજમેન્ટે પોતાના મોટાભાગના સ્ટાફને નોકરીમાંથી છૂટો કરી દેવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે મેનેજમેન્ટ શહેરમાં આવેલા તમામ છ સિટી ગોલ્ડ બંધ કરી દેવા વિચારી રહ્યું છે. જેમાં આશ્રમ રોડ, શ્યામલ ક્રોસરોડ, બોપલ, મોટેરા, બાપુનગર ઉપરાંત કડીનો પણ સમાવેશ થાય છે. દરેક થિયેટરમાં ૨૦થી ૩૦ લોકોનો સ્ટાફ કાર્યરત છે.

જોકે, સિટી ગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર સમીર ગુપ્તાનો દાવો છે કે ખર્ચો ઘટાડવા માટે જ હાલ આ બધી કવાયત કરવામાં આવી રહી છે. કોરોનાને કારણે હંગામી ધોરણે આમ કરાઈ રહ્યું છે. ભવિષ્ય માટે તેમના મોટા પ્લાન છે. માર્ચ-એપ્રિલમાં ગાઈડલાઈન્સ હળવી બનતા થિયેટર્સ ફરી શરુ થશે તેવું પણ તેમણે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે તમામ સિટી ગોલ્ડની સિટિંગ કેપેસિટી ૩૩૦૦ જેટલી થાય છે. થિયેટરો લોકડાઉન બાદ ફરી શરુ કરાયા ત્યારથી એક સ્ક્રીનમાં માંડ ૧૦-૧૫ લોકો ફિલ્મ જોવા આવે છે. જો ઓડિયન્સ કુલ કેપેસિટીના ૧૦ ટકા જેટલું પણ મળતું હોત તો અમને કોઈ મુશ્કેલી ના આવી હોત. સૂત્રોનું માનીએ તો, મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓના રાજીનામાં લઈ લેવા પાછળનું કારણ ખર્ચ ઘટાડીને નુક્સાન ઓછું કરવાનું છે.

અમદાવાદ સ્થિત ડિસ્ટ્રિબ્યુટર અને એક્ઝિબિટર વંદન શાહના જણાવ્યા અનુસાર શહેરમાં ૧૫-૨૦ ટકા થિયેટરોના માલિક બિઝનેસને તાળાં મારી દેવા વિચારી રહ્યા છે. આખા ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર્સને કોરોના કાળમાં ૨૫૦-૩૦૦ કરોડ રુપિયાનું નુક્સાન વેઠવું પડ્યું છે. જેમાં થિયેટર્સમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય સ્ટોર્સનો પણ સમાવેશ થાય છે. થિયેટર્સની બહાર પણ ફેરિયા ઉભા રહેતા હોય છે, રિક્ષા-ટેક્સીવાળાને તેને લીધે કામ મળતું હોય છે. તેમને થયેલા નુક્સાનનો તો કોઈ અંદાજ જ નથી. વળી, કેટલાક મોલ્સ તો તેમાં આવેલા થિયેટર્સને કારણે બિઝનેસ મેળવતા હતા. તેમને પણ મોટો ફટકો પડ્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે થિયેટરો સાત મહિના બંધ રહ્યા તે વખતે પણ કેટલાક ફિક્સ ખર્ચા કાઢવા મુશ્કેલ હતા. અમદાવાદમાં ૩૫ મલ્ટિપ્લેક્સ અને સિનેમા છે. તેમને પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત લાઈટ બિલ અને મેઈન્ટેનન્સના કેટલાક ફિક્સ ખર્ચા કાઢવા પડે છે. અમદાવાદમાં માત્ર સિનેમાગૃહો જ ૧૦૦ કરોડ રુપિયાનો ટેક્સ ચૂકવે છે. તેવામાં સરકારે પણ તેમને રાહત આપવા આગળ આવવું જોઈએ.

મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ મનુ પટેલના જણાવ્યા અનુસાર, સ્થિતિ ખૂબ જ ગંભીર છે. મોટાભાગના થિયેટર માલિકો ધંધો ના હોવા છતાં કર્મચારીઓને પૂરો પગાર આપી રહ્યા છે, પરંતુ હવે તેમાં પણ મુશ્કેલી પડી રહી છે. ફિલ્મ જોવા આવનારા મોટાભાગના કપલ્સ હોય છે, તેવામાં દર બીજી સીટ ખાલી રાખવાના નિયમને કારણે તેમણે પણ થિયેટરમાં આવવાનું બંધ કરી દીધું છે. અધૂરામાં પૂરું નાઈટ કર્ફ્યુને કારણે પણ બિઝનેસને માઠી અસર પહોંચી છે.

(9:48 pm IST)