Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

દારૂના કેસમાં ફસાયેલા યુગલ માટે કેનેડાનો માર્ગ મુશ્કેલ

સગાઈ કરવા યુવક-યુવતી કેનેડાથી ભારત આવ્યા : યુવક પાસે પરમિટ છતાં અન્ય સામે દારુબંધીના કાયદામાં કેસ થતાં યુગલનો પાસપોર્ટ કોર્ટે જમા કરી લેતા સમસ્યા

અમદાવાદ, તા. ૨૯ : ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અને કેનેડાના વાનકુંવરમાં હોસ્પિટલ એડમિન તરીકે કામ કરતી પૂજા શુક્લા અને ત્યાં જ સેટલ થયેલા એન્જિનિયર રોહન જાની સગાઈ કરવા માટે ઈન્ડિયા આવ્યાં હતાં. જોકે, પોતાના વતનમાં ધામધૂમથી સગાઈ કરવાના તેમના પ્લાન પર ગુજરાતના દારુબંધીના કાયદાને કારણે પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં, દારુનો કેસ થવાના કારણે એક તબક્કે તો તેમના માટે કેનેડા પરત ફરવું પણ મુશ્કેલ બની ગયું હતું.

કેનેડાના પીઆર ધરાવતા પૂજા અને રોહન બે મહિના પહેલા અમદાવાદ આવ્યા હતા. જોકે, ૩૦ ઓક્ટોબરના રોજ તેઓ એક વોટર પાર્કમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે ચાંગોદર પોલીસે તેમને ઝડપી લીધા હતા. રોહને પરમિટેડ શોપમાંથી બિયરના કેન લીધા હતા, પરંતુ તેમની સાથે પાર્ટી કરી રહેલા અન્ય લોકો પાસે પરમિટ ના હોવાના કારણે રોહન પર પણ કેસ કરાયો હતો.

તમામ લોકોને નવેમ્બરના પહેલા સપ્તાહમાં જામીન મળી ગયા હતા, પરંતુ કોર્ટે તેમને પોતાના પાસપોર્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. જેના કારણે પૂજા અને રોહન મોટી પ્રોબ્લેમમાં આવી ગયા હતા. તેમણે ફરી કોર્ટમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે ભૂલથી અહીંનું લોકલ એડ્રેસ આપી દીધું છે, તેઓ ખરેખર તો કેનેડાના પીઆર ધરાવે છે, અને અહીં માત્ર સગાઈ કરવા માટે આવ્યાં હતાં. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જો તેમના પાસપોર્ટ પરત ના અપાયા તો તેમના માટે કેનેડા જવું અશક્ય થઈ જશે, અને તેની ગંભીર અસર તેમની કારકિર્દી પર પડી શકે છે.

રોહને કોર્ટને જણાવ્યું હતું કે તેને પોતાના કામકાજના સ્થળે ૭ ડિસેમ્બરે હાજર થવું જરુરી છે. જ્યારે પૂજાએ કહ્યું હતું કે તેને ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા માટે ૬ ફેબ્રુઆરીએ એક્ઝામ આપવાની છે, અને તેના માટે તેનું ડિસેમ્બરમાં કેનેડા પરત જવું ખૂબ જ જરુરી છે. જો તેઓ ડિસેમ્બરમાં કેનેડા ના પહોંચ્યાં તો તેમની કારકિર્દી પર તેની ગંભીર અસર થઈ શકે છે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા ૨૫૦૦૦ રુપિયાના જામીન પર બંનેના પાસપોર્ટ છ મહિના માટે પરત કરવા માટે આદેશ કર્યો હતો. બંનેને છ મહિના બાદ ફરી ભારત આવવું પડશે, અને તેમના પાસપોર્ટ જમા કરાવવા પડશે. આ ગાળા દરમિયાન તેઓ વિદેશમાં હોય ત્યારે તેમના વકીલોએ કોર્ટની સુનાવણીમાં હાજર રહેવું પડશે.

(9:50 pm IST)