Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શત્રુંજય અભિયાન શરૃઃ અમદાવાદમાં ગુરૂભગવંતો દ્વારા મશાલ પ્રગટાવાઈ

જૈનતીર્થ પાલિતાણામાં વધતી જીવહત્યાથી જૈન સમાજમાં ભારે આક્રોશ :અભિયાનમાં એક હજારથી વધુ ગુરૂભગવંતો ભાગ લેશેઃ મશાલ અમદાવાદના ૨૦૦થી વધુ સંઘોમાં જશેઃ તમામ અહિંસા એકતા સમિતિ ભેગી થઈ અભિયાનને સહકાર આપશે

 અમદાવાદઃ જૈન સમાજના મહાતીર્થ એવા પાલિતાણા ખાતે રોજબરોજ વધતી જીવહત્યાથી અહિંસાપ્રેમી જૈન સમાજમાં ઊગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ ગેરકાયદેસર ચાલતી જીવહત્યાના કૃત્યોને અટકાવવા માટે સરકારને ઘણી વખત ભલામણો કરવામાં આવી હોવા છતાં સંતોષજનક પગલાં લેવામાં આવ્યા નથી. મહાતીર્થ ભૂમિ પાલિતાણામાં આ જીવહત્યાને અટકાવવાના મહાકાર્યના સંદર્ભે  અમદાવાદ-સોલારોડ જૈન સંઘમાં શત્રુંજય સેવક ક્રાંતિકારી પૂજય સંન્યાસી શ્રીવિરાગસાગરજી મહારાજ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં પણ સમસ્ત ભારતભરના કરોડો અહિંસાપ્રેમીઓને સાથ-સહકર આપવાનું જાહેર આહ્વાન કર્યું છે. જેમાં અહિંસાક્રાંતિની જનજાગૃતિનો શંખનાદ ફૂંકીને પાલિતાણાને જીવહત્યાથી મૂકત કરવાની પ્રતિજ્ઞા લેવમાં આવી હતી.

જયાં અનંત મહાન આત્માઓ જ્ઞાન પામીને મોક્ષ પામ્યા, જયાં ભગવાન આદિનાથ સ્વયં પૂર્વ નવ્વાણું (કરોડવાર) પધાર્યા, જયાં આજે પણ પ્રતિ વર્ષ લાખો- દેશ-પરદેશમાંથી યાત્રાળુઓ આત્માને પાવન બનાવવા સાધના કરવા આવતા હોય છે, હજારો ગુરૂ ભગવંતો-યાત્રિકો પગપાળાં સંઘયાત્રા સાથે પધારી યાત્રા કરી જીવન ધન્ય બનાવતા હોય છે, એવી સમસ્ત વિશ્વના એક માત્ર શાશ્વત મહાતીર્થ ભૂમિક શ્રી શત્રુંજય- પાલિતાણામાં માંસાહીર પ્રજા હજારોની સંખ્યામાં આવીને વસી ગઇ છે.

રોજબરોજ જીભના સ્વાદ માટે પાલિતાણા જેવી પવિત્ર તીર્થભૂમિમાં માછલી, મરઘાં, ઘેટા, બકરાં, ભેંસ-પાડા અને કયારેક તો ગૌવંશ પણ બરેકોટોક ખુલ્લેઆમ તે પણ વગર લાઇસન્સે હજારોની સંખ્યામાં કપાય છે, ખવાય છે, જે અત્યંત નિદર્યી કૃત્ય અને નિંદનિય છે.

હિન્દુ તીર્થ ઋષિકેશ અને હરિદ્વારની જેમ સમસ્ત પાલિતાણા નગરપાલિકાની હદ સુધીનું અહિંસક જાહેરનામું સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવે તે માટે ઘણા વર્ષોથી સેંકડો જૈનાચાર્યો અને સાધુ-સંતો, ભગવંતો તેમજ લાખો જૈનોએ પાલિતાણાની આ મહાભયંકર હિંસાઓ, કતલખાનાઓ, નોન-વેજ હોટેલ, શત્રુંજય નદીની માચ્છીમારી અને નાની-મોટી તમામ હિંસા-હત્યાઓ અને દારૂના અડ્ડાઓ હટાવવા, મહારેલીઓ, મહાસભાઓ તેમજ મહાભિષ્મ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યાં છે.

પરંતુ આજ દિન સુધી આ ગેરકાયદેસર કોઇ જ ઘટાડો કે તેમની વિરૂદ્ઘ કડક હાથે કાયદાકીય પગલાં લેવામાં ન આવતા પાલિતાણાની ભયંકર હિંસાઓથી અહિંસાના પ્રતિપાલક લાખો જૈનો અને હિન્દુઓમાં ભારે નારાજગી સાથે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

(3:39 pm IST)