Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કેસમાં આવ્યો નવો વળાંક

હરેન પંડયા હત્યા કેસના ૧૨ આરોપીઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા સાક્ષી આઝમ ખાનની ઇચ્છે છે જુબાની

નવી દિલ્હી તા. ૩૦ : સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં બચાવ પક્ષના સાક્ષી આઝમ ખાને ત્રણ સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સોહરાબુદ્દીન અને અન્યોએ ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારાના કહેવાથી કરી હતી. હવે, હરેન પંડ્યા હત્યા કેસના ૧૨ આરોપીઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પોતાના કેસમાં પણ આ સાક્ષીની જુબાની લેવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં હાલમા હરેન પંડ્યા મર્ડર કેસની સુનાવણી ચાલી રહી છે.

૧૨ આરોપીઓએ જે સાક્ષી આઝમ ખાનની જુબાની અંગે વાત કરી છે તે આઝમ ખાન ઉદેપુરનો ગેંગસ્ટર છે. ૩જી નવેમ્બરે ખાને સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, સોહરાબુદ્દીને જણાવ્યું હતું કે, વણઝારાએ હરેન પંડ્યાને મારવાનો કોન્ટ્રાકટ આપ્યો છે.

ખાને કહ્યું હતું કે, 'સોહરાબુદ્દીન સાથે વાતચીત દરમિયાન તેણે મને કહ્યું હતું કે, તેને (સોહરાબુદ્દીનને), નઈમ ખાન અને શાહિદ રામપુરીને ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાને મારવાનો કોન્ટ્રાકટ મળ્યો છે અને તેમણે હત્યા કરી દીધી સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે, તેને વણઝારાએ કોન્ટ્રાકટ આપ્યો હતો.' ખાને ઉલટતપાસ દરમિયાન કોર્ટને આ મુજબ જણાવ્યું હતું. ખાને એમ પણ કહ્યું હતું કે, સોહરાબુદ્દીને તેને જણાવ્યું હતું કે, 'ઉપરથી આ કામ આપવામાં આવ્યું છે.'

ખાને કહ્યું હતું કે, 'મેં (એન્કાઉન્ટર કેસની તપાસ કરતા) સીબીઆઈ અધિકારીને કહ્યું હતું કે, હરેન પંડ્યાની હત્યા તુલસીરામ પ્રજાપતિ અને અન્ય એક છોકરાએ સોહરાબુદ્દીનના કહેવાથી કરી હતી.'

ઉલ્લેખનીય છે કે, ૨૬મી માર્ચ ૨૦૧૩એ હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરતી ગુજરાત પોલીસ અને સીબીઆઈએ દાવો કર્યો હતો કે કુલ ૧૯ શખસોએ મળીને આ હત્યા કરી હતી. ૨૦૦૭માં ગુજરાતમાં સ્પેશયલ કોર્ટે ૧૨ શખસોને દોષી જાહેર કરી ૫ વર્ષથી લઈને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, વર્ષ ૨૦૧૧માં હાઈકોર્ટે હત્યાની કલમો હટાવી દીધી હતી અને તેમને પર હત્યાના પ્રયાસના આરોપી માન્યા હતા. સીબીઆઈ અને ગુજરાત સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

(10:05 am IST)