Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે દેશવ્યાપી ‘સ્વસ્થ ભારત યાત્રા’નો થશે પ્રારંભ

ભારતયાત્રા 24 દિવસ સુધી ગુજરાતના 12 જિલ્લા-શહેરોમાં કુલ ૭૯૧ કિ.મીનો પ્રવાસ-ભ્રમણ કરશે.

 

ગાંધીનગર: મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત-સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે જે અંતર્ગત તા.૧૬મી ઓકટોબર-૨૦૧૮થી ૨૭મી જાન્યુઆરી-૨૦૧૯ સુધી સમગ્ર દેશમાં ઈટ રાઈટ ઈન્ડિયાના ઉપક્રમે જનજાગૃતિ માટે સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈટ રાઈટ ઈન્ડિયાઅંતર્ગત ઈટ હેલ્ધી, ઈટ સેઈફ, ઈટ ફોર્ટીફાઈડ અને નો ફૂડ વેસ્ટની થીમ નક્કી કરવામાં આવી છે.

  સમગ્ર ભારતમાં આ યાત્રા વિવિધ સ્થળોએથી શરૂ થઈને ૧૮ હજાર કિ.મી.નું ભ્રમણ કરીને નવી દિલ્હી ખાતે સંપન્ન થશે. આ સ્વસ્થ ભારત યાત્રાનું ગુજરાતમાં નવસારી જિલ્લાના દાંડી ખાતે તા.૧૯મી નવેમ્બર-૨૦૧૮ના રોજ આગમન થશે તેમ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજયકક્ષાની ફૂડ સેફ્ટી સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતુ.

  ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ભારતયાત્રા તા.૧૯મી નવેમ્બર-૨૦૧૮થી ૧૨મી ડિસેમ્બર-૨૦૧૮ એટલે કે ૨૪ દિવસ સુધી દાંડી-નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા-પંચમહાલ, સંતરામપુર-બાલાસિનોર(મહિસાગર) નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાલનપુર એમ ગુજરાતના ૧૨ જિલ્લા-શહેરોમાં કુલ ૭૯૧ કિ.મી.નો પ્રવાસ-ભ્રમણ કરશે. જેમાં NCC કેડેટ્સ સહિત વોલેન્ટીયર્સ મોટી સંખ્યામાં જોડાશે. 

(12:55 am IST)