Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

દિવાળી પછી સીજી રોડ પર કાર પાર્કિંગનો વધારે ચાર્જ

કોર્પોરેશન દ્વારા ભાવ વધારાની દરખાસ્તઃ સીજી રોડ ઉપર કાર પાર્કિંગ માટે બે વધારે ચૂકવવા પડશે, નવા ચાર્જ પ્રમાણે કારની પાર્કિંગ માટે ૨૦ ચુકવવા પડશે

અમદાવાદ,તા.૩૦: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના સીજી રોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરાઇ છે. હવે સીજીરોડ પર દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે, જેમાં કાર માટે રૂ. ૨૦ ચૂકવવા પડશે. સીજી રોડ પર કાર પાર્કિંગના રૂ.બે વધારે ચૂકવવા પડશે અને નવા ચાર્જ પ્રમાણે કાર પાર્કિંગના રૂ.૨૦નો ચાર્જ વસૂલાશે. અમ્યુકો તંત્ર દ્વારા આગામી ગુરુવાર તા.૧ નવેમ્બર,ર૦૧૮એ મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સીજીરોડ પર રેગ્યુલરાઇઝ્ડ પે એન્ડ પાર્કને લગતી દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે. આ દરખાસ્ત મુજબ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના સીજીરોડ પર બીજા ક્રમના મહત્તમ ઓફરદાર આસીફખાન પઠાણની મહત્તમ ઓફર રૂ.પ૪ લાખની માન્ય કરવાની છે. અગાઉ આ રોડ પર પે એન્ડ માટેના પ્રથમ ક્રમના મહત્તમ ઓફરદારને આનો કોન્ટ્રાક્ટ અપાનાર હતો, પરંતુ આ ઓફરદાર પાણીમાં બેસતા તેમની અર્નેસ્ટ મનીને તંત્રએ જપ્ત  કરી હતી. ત્યારબાદ બીજા ક્રમના ઓફરદાર સાથે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટે વાટાઘાટ આરંભાઇ હતી. જેમાં સીજીરોડના રિડેવપલમેન્ટ પ્રોજેક્ટના કારણે વચ્ચેના સમયગાળામાં અમુક જગ્યાએ કામકાજ ચાલુ રહેવાનું હોઇ ઓફરદાર દ્વારા દર ત્રણ મહિને સત્તાવાળાઓને પેમેન્ટ કરવાની શરત સહિતની કેટલીક શરત મુકાઇ છે. જેનો વહીવટીતંત્ર દ્વારા સ્વીકાર કરાતાં આ શરતોનો પણ મંજૂરી માટે મુકાયેલી દરખાસ્તમાં સમાવેશ કરાયો છે. સીજીરોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના પટ્ટા પર છેલ્લા બે મહિનાથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી પે એન્ડ પાર્કની કામગીરી ચાલે છે. જોકે હવે બીજા ક્રમના મહત્તમ ઓફરદાર પે એન્ડ પાર્ક માટે આગળ આવતા દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્ક શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીજીરોડ પર કેટલાક વેપારી લાંબા સમય સુધી પોતાના વાહનને પાર્ક કરતા હોઇ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી પ્રતિકલાકના દરથી પાર્કિંગ દરથી પાર્કિંગ ચાર્જ વસુલાઇ રહ્યો છે. જોકે ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટેના ટેન્ડર તો ગત તા.ર સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરાયા હતા. સીજીરોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના બન્ને તરફના પટ્ટા પર ૮૩૯ ટુ વ્હીલર અને ૪૧પ ફોર વ્હીલર મળીને કુલ ૧રપ૪ પાર્ક થઇ શકે છે.વાહનચાલકોને પ્રતિકલાકના ધોરણે ટુ વ્હીલર માટે રૂ.પાંચ, રિક્ષા માટે રૂ.દસ અને ફોર વ્હીલર માટે રૂ.વીસ ચૂકવવા પડશે જે અગાઉ બે કલાક માટે ક્રમશ રૂ.છ, બાર અને અઢાર હતા. જો કે, આ ભાવવધારાને લઇ ફોરવ્હીલર વાહનચાલકોમાં અત્યારથી જ નારાજગી ફેલાવા પામી છે.

(9:46 pm IST)