Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદની હવામાં પણ ઝેરી પ્રદુષણ વધ્યું : દર્દીઓને ઘરની બહાર નહિ નીકળવા સલાહ

પિરાણામાં સૌથી વધુ હવા પ્રદુષિત: ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો કારણભૂત

અમદાવાદ :દિલ્હીની માફક અમદાવાદની હવામાં પણ ઝેરી પ્રદુષણ વધ્યુ છે. સોમવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધીને ૨૨૪ સુધી પહોંચ્યો હતો જેના કારણે વૃધ્ધ અને અસ્થમા, હૃદયરોગના દર્દીઓને ઘરની બહાર નીકળવા સલાહ આપવામાં આવી હતી. અમદાવાદમાં પિરાણામાં સૌથી વધુ હવા પ્રદુષિત બની હતી. હવામાં પીએમ ૨.૫ રજકણોની માત્રા વધીને ૩૫૬ પહોંચી છે 

   અમદાવાદમાં ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદુષિત કરવામાં કારણભૂત મનાય છે વટવા, નારોલ, નરોડા, પિરાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આજેય હવામાં ઝેરી પ્રદુષણ ઓકતી ફેક્ટરીઓની ભરમાર છે. અમદાવાદ પણ દિલ્દીની જેમ પ્રદુષિત બનવા માંડયુ છે. હવાના પ્રદુષણમાં આજે દિલ્હી બાદ અમદાવાદ બીજા ક્રમે રહ્યુ હતું.

    અમદાવાદમાં પિરાણામાં પીએમ ૧૦ની માત્રા વધીને ૩૧૯ જયારે પીએમ ૨.૫ની માત્રા ૩૫૬ સુધી પહોચી હતી જેથી હવા એકદમ ઝેરી બની રહી હતી. વાસ્તવમાં પીએમ ૧૦ની માત્રા ૧૦૦થી વધુ વધવી જોઇએ નહી. આ જ પ્રમાણે, પીએમ ૨.૫ની માત્રા ૬૦થી વધુ ન હોવી જોઇએ.હવામાં પીએમ ૨.૫ની માત્રા ૧૨૧થી વધુ થાય તો તે અતિખરાબ ગણવામાં આવે છે.

(8:21 pm IST)