Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમારી વિરૂદ્ધ અરજી બંધ નહીં કરે તો એસિડ છંટાશે

ધમકી આપનાર પૂર્વપ્રેમી, પરિજનો સામે ફરિયાદ : યુવતિની ફરિયાદના આધાર પર વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી : સંબંધોને લઇને ચર્ચાનો દોર

અમદાવાદ,તા. ૩૦ : અમારા વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદો કરવાનું બંધ કરી દે નહિ તો તારા પર એસિડ છાંટી દઈશ, તું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહે તેવી ધમકી ગાંધીનગરની યુવતીને તેના પૂર્વપ્રેમી અને તેના પરિવારજનોએ આપી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. તાજેતરમાં યુવતી વસ્ત્રાપુર લેક પાસે એક કાફેમાં બેઠી હતી ત્યારે ફોન પર ધમકી અપાતાં મામલો ફરી પોલીસમથકે પહોંચ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરમાં રહેતી ર૪ વર્ષીય યુવતી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી હતી અને બોડકદેવ પ્રેમચંદનગરમાં રહેતી હતી ત્યારે મિત્રો થકી રાજવીર ઠાકરસિંહભાઈ વારેવડીયા(રહે. થાનગઢ, સુરેન્દ્રનગર) સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. બંને એકબીજાને મળતાં હતાં અને અવારનવાર લગ્નનું વચન આપી રાજવીર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. રાજવીરે લગ્નની ના પાડતાં યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજવીરે ગુજરાત હાઇકોર્ટમાં લગ્નની બાંયધરી આપતાં તેમની વચ્ચે સમાધાન થયું હતું. બાદમાં ચોટીલા ખાતે બોલાવાઇ અને લગ્ન નહીં કરે તેમ કહી અને માર માર્યો હતો, જે મામલે પણ યુવતીએ રાજવીર સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન તા.ર૪ સપ્ટેમ્બરના રોજ યુવતી અમદાવાદ આવી હતી અને રાતે ૧ર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર લેક પાસે આવેલા એક કાફેમાં તેના સગા સાથે બેઠી હતી ત્યારે રાજવીરના પિતા ઠાકરસિંહભાઈએ યુવતીને ફોન કરી ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદો કરવાનું બંધ કરી દે નહિ તો જોવા જેવું થશે. તારા પર એસિડ છાંટી દઈશ, તું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહે. તેમના બીજા પુત્ર અશોક અને પુત્રી નીતાબહેને પણ યુવતીને ગાળાગાળી કરી વારાફરતી ધમકીઓ આપી હતી. આ મામલે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(8:17 pm IST)