Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ઇજનેરી કુશળતાનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે

૩૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો : ભૂકંપ,વાવાઝોડા સહિતના કુદરતી હોનારતમાં પણ ટકી રહે તે પ્રકારે આ ઐતિહાસિક પ્રતિમા તૈયાર થઇ : રિપોર્ટ

અમદાવાદ, તા.૩૦ : ભારતનાં લોહપુરુષ તરીકે પ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા) દુનિયામાં સૌથી ઊંચી અને ફક્ત ૩૩ મહિનામાં સૌથી વધુ ઝડપથી નિર્માણ પામેલી પ્રતિમા બનશે, જે અનોખો રેકોર્ડ હશે. ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાનું નિર્માણ થવામાં ૧૧ વર્ષ લાગ્યાં છે એવો દાવો આ પ્રતિમાનું નિર્માણ કરનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ કર્યો છે. રોડ એન્ટ્રીથી ૧૮૨ મીટર અને રિવર એન્ટ્રીથી ૨૦૮.૫ મીટર ઊંચી ભારતની આન, બાન અને શાનરૂપ આ પ્રતિમા ચીનમાં ૧૫૩ મીટર ઊંચી સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાની પ્રતિમાથી વધારે ઊંચાઈ ધરાવે છે અને ન્યૂયોર્કની જગપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈથી લગભગ બમણી છે. આ વિશાળ પ્રતિમાનું ઉદ્ઘાટન આવતીકાલે તા.૩૧ ઓક્ટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેકનીકલ અને રસપ્રદ હકીકતો અંગે એલએન્ડટીએ જણાવ્યું હતું કે, રૂ. ૨,૯૩૮ કરોડનાં ખર્ચે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા)માં બ્રોન્ઝનાં આવરણ સિવાય સંપૂર્ણપણે ભારતમાં બની છે. આ પ્રતિમા નર્મદા નદીનાં પટ પર સાધુ હિલ પર સરદાર સરોવર ડેમમાંથી અંદાજે ૩.૫ કિલોમીટર ડાઉનસ્ટ્રીમ પર સ્થિત છે. માળખાનાં આધારનું નિર્માણ તા.૧૯ ડિસેમ્બર, ૨૦૧૫નાં રોજ શરૂ થયું હતું અને સંપૂર્ણ નિર્માણમાં ફક્ત ૩૩ મહિના લાગ્યાં હતાં. એમાં ૧૮૦,૦૦૦ કયુ.મે.સિમેન્ટ કોન્ક્રીટ, ૧૮,૫૦૦ ટનનું રિઇન્ફોર્સ સ્ટીલ, ૬,૫૦૦ ટન સ્ટ્રક્ચર્ડ સ્ટીલ, ૧,૭૦૦ ટન બ્રોન્ઝ અને ૧,૮૫૦ ટન બ્રોન્ઝ ક્લેડિંગનો ઉપયોગ થયો છે. પ્રતિમાની કલ્પના ચાલવાની મુદ્રામાં સ્વાભાવિક સરદાર પટેલ તરીકે કરવામાં આવી હતી. આ પ્રતિમા સ્ટાર-આકારનાં ભૌમિતિક આકારમાં ઉપર ઉઠે છે, જે સંપૂર્ણ સાધુ હિલને આવરી લે છે. આ પ્રતિમા સૌથી સાંકડો આધાર ધરાવે છે, જ્યારે દુનિયાની અન્ય ઊંચી પ્રતિમાઓ પહોળો આધાર ધરાવે છે. ચાલવાની મુદ્રાથી બે પગ વચ્ચે ૬.૪ મીટરનો ગેપ પણ છે, જેનું પવનની તીવ્ર ઝડપમાં પરીક્ષણ થયું હતું. આ પ્રતિમાનું માળખું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એલએન્ડટીએ જણાવ્યું કે, અમે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને પ્રતિમાની ડિઝાઇનમાં ફેરફાર કર્યા હતાં. અમે આર્કાઇવ્સમાંથી આશરે ૨,૦૦૦ ફોટોગ્રાફ એકત્ર કર્યા હતાં તથા ઇતિહાસકારો અને જેમણે સરદારને જોયા હતાં તેમનાં જેવા વિવિધ લોકો સાથે ચર્ચા કર્યા પછી એક ફોટોગ્રાફની પસંદગી કરી હતી. અમે દ્વિ-પરિમાણીય ફોટોગ્રાફને ત્રિપરિમાણીય મોડલમાં પરિવર્તન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. શાલનો આકાર, એનો નીચેની તરફ જતો ભાગ અને વણાટની પૃષ્ઠભૂમિમાં ખેડૂત છે અને શિલ્પકાર રામ સુતારે વધુમાં વધુ વાસ્તવિકતા લાવવા ખૂબ મહેનત કરી હતી. એલએન્ડટીનાં સીઇઓ અને એમડી એસ એન સુબ્રમન્યને જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા) રાષ્ટ્ર માટે એકતા, અંખડિતતા અને ગર્વનું પ્રતીક હોવા ઉપરાંત ભારતની ઇજનેરી કુશળતા અને પ્રોજેક્ટનું વ્યવસ્થાપન કરવાની ક્ષમતા પણ સૂચવે છે.

આર્કિટેક્ટ, શિલ્પકાર અને પ્રતિષ્ઠિત ગ્લોબલ કન્સલ્ટન્ટ સાથે અમારી ઇજનેરી અને નિર્માણ ટીમે પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન વિક્રમી સમયગાળામાં સાકાર કર્યું છે.  એલએન્ડટીની સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા) પ્રોજેક્ટનાં પડકારો પર પ્રોજેક્ટ ડિરેક્ટર મુકેશ એસ રાવલે કહ્યું હતું કે, શિલ્પકાર શ્રી રામ સુથારે થોડી રેપ્લિકા અને ૩૦ ફૂટની અંતિમ બ્રોન્ઝ રેપ્લિકા બનાવીને અમને સુપરત કરી હતી. એ રેપ્લિકાને ઇલેક્ટ્રોનિક ડેટામાં સ્કેન કરવામાં આવી હતી, જેને છેલ્લે આશરે ૫૯૭ ફીટ (૧૮૨ મીટર) પ્રતિમા ડિઝાઇન કરવા માટે ડેટા ગ્રિડમાં કન્વર્ટ કરવામાં આવી હતી. ફોટોગ્રાફી એન્લાર્જમેન્ટમાં કેટલીક વિગતો ગુમ થવાથી સુધારા થયાં હતાં. પછી અમે આ ડેટાને બ્રોન્જનાં ક્લેડિંગ કાસ્ટ કરવા માટે લઈ ગયા હતાં. આ ત્રિપરિમાણીય જિગ્સો પઝલને પૂરી કરવા હજારો છૂટાછવાયા ભાગને ગોઠવવા જેવું હતું. આ માળખું બે સ્ટીલને ફ્રેમને સપોર્ટ કરતાં બે વર્ટિકલ કોર ધરાવે છે, જેમાં ૬,૫૦૦ બ્રોન્ઝ પેનલો છે. એલએન્ડટીએ જણાવ્યું કે, આ પ્રતિમા પ્રતિ સેકન્ડ ૫૦ મીટર (લગભગ ૧૮૦ કિમી)ની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહે એવી ક્ષમતા ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા) ૧૦ કિમી ઊંડે અને પ્રતિમાની ૧૨ કિલોમીટરનાં રેડિયસમાં ૬.૫નાં રિક્ટર સ્કેલ સુધીનાં ધરતીકંપનો સામનો પણ કરી શકશે.

(7:51 pm IST)