Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની સામે ફરિયાદ

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : વિદ્યાર્થીનીની ફરિયાદને લઇ યુવકની વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરી દેવાયો : નિકોલ પોલીસે તપાસ આરંભી

અમદાવાદ, તા.૩૦ : શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીને લગ્નનું પ્રોમિસ આપીને એક પરિણીત યુવકે બે વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. થોડાક દિવસ પહેલાં યુવકે વિદ્યાર્થીની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેના પર એસિડ છાંટીને ચહેરો કદરૂપો કરી નાખવાની ધમકી આપતાં આખરે વિદ્યાર્થીનીએ નિકોલ પોલીસમથકમાં આરોપી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે યુવક વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં રહેતી નીતા (નામ બદલેલ છે)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પરિણીત યુવક વિરુદ્ધમાં બળાત્કાર-દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.  જે મુજબ, નીતા નિકોલની રામેશ્વર સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો પરિચય તેના જ ફ્લેટમાં રહેતા યુવક મેહુલ પટેલ (ઉ.વ ૩૦) સાથે થયો હતો. મેહુલ તેની પત્ની અને એક પુત્ર સાથે રહે છે અને આઇસક્રીમ કંપનીમાં નોકરી કરે છે. નીતા સાંજે ફ્લેટમાં આવેલ ગાર્ડનમાં બેસવા માટે આવતી ત્યારે મેહુલ પણ તેની સાથે વાતચીત કરતો હતો. બે વર્ષ પહેલાં મેહુલ અને નીતા બહાર ફરવા અને જમવા માટે જતા હતા. મેહુલે પોતાની પત્નીને છુટાછેડા આપીને નીતા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. નીતાએ મેહુલની વાત પર ભરોસો કરી લીધો હતો ત્યારબાદ મેહુલ અવારનવાર ગેસ્ટ હાઉસમાં તેને લઇ જતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. તે સમયે નીતાની ઉમર ૧૬ વર્ષની હતી. ધોરણ-૧રના અભ્યાસ બાદ નીતાએ એરહોસ્ટેસનો અભ્યાસ શરૂ કર્યો હતો. મેહુલ નીતાને લગ્ન કરવાનું પ્રોમિસ આપીને ગેસ્ટ હાઉસમાં લઇ જતો હતો અને તેની સાથે સંબંધ બાંધતો હતો. ગત મહિને નીતાએ મેહુલ સાથે લગ્ન કરવાની વાત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને હું તારી સાથે લગ્ન કરવાનો નથી. જો આ વાત કોઇને કરીશ તો તારા મોઢા પર એસિડ છાંટીને તારો ચહેરો કદરૂપો કરી નાખીશ તેવી ધમકી આપી હતી. નીતાએ હિંમત કરીને સમગ્ર વાત તેના ફોઇને કરી હતી, જેમાં ગઇકાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં નીતાએ મેહુલ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપી મેહુલ પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.

(7:50 pm IST)