Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આદિવાસી સમાજના બંધમાં જીગ્નેશ મેવાણી પણ જોડાયા

મેવાણીનું આદિવાસીના બંધના એલાનને સમર્થન : વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ તેની રીતે ભાજપના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને લઇ જોરદાર વિરોધ કરાશે

અમદાવાદ, તા.૩૦ : આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરવાના છે તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈ ઝેડ પ્લસ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય દ્વારા દક્ષિણ ગુજરાત બંધના તેમજ પ્રતિકાત્મક વિરોધનું એલાનને લઇ ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે. તો, હવે અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ આદિવાસી સમાજના આ બંધના એલાનને ખુલ્લુ સમર્થન આપ્યું છે. બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ તેની રીતે ભાજપના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે અને કાર્યક્રમથી અળગા રહી અનોખો વિરોધ નોંધાવશે. મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે હજારો આદિવાસીઓને નુકસાન થયુ હોવાનો દાવો કરતા જિજ્ઞેશ મેવાણીએ દક્ષિણ ગુજરાત બંધને આજે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

એક  તરફ આદિવાસી સમુદાય દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લોકાર્પણ કાર્યક્રમને લઇ વિરોધ અને વિવાદ જારી રહ્યા છે ત્યારે હવે મેવાણી તેમને સમર્થન જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. બીજીબાજુ, પોલીસ કોઈપણ વિરોધ પ્રદર્શન કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં અડચણ ઉભી કરનાર તમામ સામે કડક હાથ લેવા અગાઉથી એક્શન પ્લાન તૈયાર કરી રાખ્યો છે. આવતીકાલે આદિવાસી સમુદાય, સ્થાનિક આદિવાસી ગ્રામજનો ઉપરાંત હવે જીગ્નેશ મેવાણી અને તેના સમર્થકો દ્વારા વિરોધ અને બંધના એલાનમાં શું દેખાવો કે રણનીતિ અમલમાં મૂકાય છે તેની પર સૌની નજર છે.

(7:50 pm IST)