Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આણંદ જિલ્લામાં નવ કલાકમાં જુદા-જુદા બે અકસ્માત સર્જાયા: બેના મોત: એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો

આણંદ: જિલ્લામાં ગઈકાલે નવ કલાકની અંદર સર્જાયેલા બે અકસ્માતોમાં બેના મોત થયા હતા જ્યારે એકને ઈજાઓ થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતના બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કામરેજ ખાતે રહેતા જીગ્નેશભાઈ ઉકાભાઈ બોરસણીયા પોતાના પરિવાર સાથે ધંધુકા તાલુકાના રોઝકા ગામે બેસણાંમાં પોતાની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર નંબર જીજે-૦૧, એચયુ-૧૦૦૨ની લઈને ગયા હતા. અને ગઈકાલે સવારના સુમારે રોઝકાથી પરત જવા નીકળ્યા હતા. બપોરના સવા એક વાગ્યાના સુમારે તારાપુર-ધર્મજ રોડ ઉપર આવેલા કણીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક રીક્ષા નંબર જીજે-૩૮, ડબલ્યુ-૧૬૨૦ને અથડાઈ હતી જેને લઈને કાર રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી. અકસ્માત થતાં જ રીક્ષાચાલકને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને થતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા રીક્ષાચાલકને સારવાર માટે પ્રથમ તારાપુરની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હાલત વધુ ગંભીર હોય વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું અવસાન થયું હતુ. પોલીસે તપાસ કરતા મરણ જનાર બાવળા ગામે રહેતો બહાદુરસિંહ ત્રિકમભાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ જેથી તેના વાલીવારસોને જાણ કરતાં તેઓ વડોદરા આવી ચઢ્યા હતા. આ અંગે પોલીસે કારના ચાલકની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:44 pm IST)