Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ડોકટરની બેદરકારી : દર્દીના પેટમાં કોટનનું કપડું ભૂલાઇ ગયું : કોર્ટે ૪.૯૨ લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ તા. ૩૦ : ગાંધીનગર ગ્રાહક સુરક્ષા કોર્ટે જાણીતી એપોલો હોસ્પિટલને રૂ. ૪.૯૨ લાખનો આર્થિક દંડ ફટકાર્યો છે. કારણ કે એપોલો હોસ્પિટલના ડોકટર દર્દીના પેટમાં કોટન પેડ ભૂલી ગયા હતા. ધનજીભાઈ વરસાણી જેઓ મૂળ કચ્છના છે અને ઓમનના મસ્કતમાં રહે છે. વર્ષ ૨૦૧૧માં તેઓને પેટમાં દુખાવો થતા સરવાર અર્થે ભારત પરત આવ્યા હતા. તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૧માં તેમણે ઓપોલો હોસ્પિટલના ડો. લક્ષ્મણ ખીરીયા પાસે તેને ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવવા છતાં પણ તેમને પેટના દુખાવામાં કોઈ રાહત થઈ ન હતી.

તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ તેમના હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. એકસ રે રીપોર્ટમાં અસ્પષ્ટ કોઈ વસ્તુ દેખાતી હતી પરંતુ, ડોકટરે કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું ન હતું. જયારે તેઓ પોતાના વતન ભારાસર પહોચ્યા ત્યારે તેમના દુખાવામાં કોઈ ફેર પડ્યો ન હતો. આ ઉપરાંત તેમના પેટ પર લીધેલા ટાંકા પર પાણીનો ઓઝ બાજતો હતો. સ્થાનિક ડોકટરનો સંપર્ક સાધતા તેમને ખ્યાલ આવ્યો હતો કે દર્દી તેના પેટમાં કંઈક વસ્તુ લઈને ફરે છે. તા. ૧૪ ડીસેમ્બરના રોજ ફરી તેનુ ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશનની વીડિયોગ્રાફી પરિજનોએ નિહાળી ત્યારે તેઓ પેટમાંથી નીકળેલી વસ્તુ જોઈને ચોંકી ગયા હતા. ધનજીભાઈના પેટમાંથી કોટનનો એક ગાભો નીકળ્યો હતો. વર્ષ ૨૦૧૨માં ધનજીભાઈએ એપોલો હોસ્પિટલ સામે દાવો માંડ્યો. આ કેસમાં ડોકટરે દર્દીને ૧૨ લાખ રૂપિયાની આર્થિક વળતરની ઓફર કરી હતી. પણ તેઓ આ દાવા સામે ટકી રહ્યા હતા. હોસ્પિટલની ચેન્નઈ બ્રાંચે આ દાવાને કોઈ મંજૂરી આપી ન હતી. પછીથી ધનજીભાઈએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાવો માંડ્યો હતો. આ સાથે ૧૯.૫ લાખ રૂપિયાના આર્થિક વળતરની માગ કરી હતી.

સુનાવણીને સાંભળ્યા બાદ ફોરમે આ કેસ એમ. જે. મહેતાને સોંપ્યો હતો. જેમાં તેણે નોધ્યું હતું કે, ડોકટરની બેદરકારીને કારણે આવું બન્યું છે. કોર્ટે આ ગંભીર બાબતની નોંધ લીધી હતી કે, ઓપરેશન દરમિયાન કોટનનું આ કપડું દર્દીના પેટમાં રહી ગયું હતું. દર્દીને જયારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે પણ એકસ રે માં તેના થોડા શેડ દેખાતા હતા. પરંતુ ડોકટરે આ ગંભીર બાબતની કોઈ નોંધ લીધી ન હતી અને ફરીથી સારવાર આપવા માટે પણ કોઈ તૈયારી ન દાખવી. ગ્રાહક સુરક્ષા કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં હોસ્પિટલની સાથોસાથ તબીબની પણ બેદરકારી સામે આવી છે. આ ગંભીર કેસમાં તબીબે કોઈ પ્રકારની નોંધ ન લીધી. તેથી કોર્ટે આદેશ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૨થી રૂ. ૪.૯૨ લાખ ૯%ના વ્યાજ સાથે ચૂકવવામાં આવે.

(4:40 pm IST)