Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનું પ્રદર્શન : સરદાર સાહેબના જીવન કવનને માણવાનો અણમોલ અવસર

૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુકત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન :૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં વિવિધ સંસ્થાઓમાં સંગ્રહાયેલ સામગ્રી પણ : અદભૂત રીતે રજૂ કરાઈ :આઝાદી પછી અખંડ ભારતના નિર્માણની સમગ્ર પ્રક્રિયા વિશેની તૈયાર થયેલ ૧૬ ફિલ્મો આ પ્રદર્શનનું આકર્ષણ

સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુકત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરાયું છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ સરદાર જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રાર્પણ કરશે એ જ વેળાએ વડાપ્રધાનશ્રી આ પ્રદર્શનને ખુલ્લુ મુકીને પ્રદર્શન નિહાળશે. આ પ્રદર્શનમાં સરદાર સાહેબના જીવનની ઝરમર તથા તેમના કાર્યોની લેવાયેલ શ્રેષ્ઠ નોંધો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાઈ છે તેને પણ અહીં અદભૂત રીતે પ્રદર્શિત કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. ક્ષેત્રફળ વિભાગમાં તૈયાર કરાયેલા આ પ્રદર્શન હોલમાં ૧૮ ફૂટ ઊંચી, સરદાર સાહેબની અદભૂત કાંસ્યની પ્રતિમા પર્યટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાંખી કરાવશે, એક વીડિયો વોલ ઊભી કરાઈ છે આ વીડિયોવોલ ઉપર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાના નિર્માણની સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન દર્શાવશે. જેમાંથી સહેલાણીઓને સમગ્ર માહિતી મળી રહેશે. સાથેસાથે એક ઓડિયો-વીડિયો કિયોસ્ક તૈયાર કરાયું છે. જેમાં આ વિરાટતમ પ્રતિમાના નિર્માણમાં દેશભરના લોકોને જોતરવા માટે વિવિધ રાજયોમાંથી લોખંડ અને માટીનું એકત્રિકરણ કરાયું હતું તેની વિસ્તૃત વિગતો ટેકનોલોજીસભર કિયોસ્કમાં મૂકવામાં આવી છે.

૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા, નહેરુ મેમોરિયલ, રાષ્ટ્રપતિ ભવન, નેશનલ ગાંધી મ્યુઝિયમ, મીડલ ટેમ્પલ લંડન, ભારતીય વિદ્યાભવન મુંબઈ, મહારાષ્ટ્ર આર્કાઈવ્સ મણિભવન મુંબઈ, સાબરમતિ આશ્રમ અમદાવાદ, સ્વરાજ આશ્રમ બારડોલી અને અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર હાઉસ કરમસદ, સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, હૈદ્રાબાદના સ્ટેટ આર્કાઈવ્સ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ જંતરમંતર, પાર્લામેન્ટ મ્યુઝિયમ, પાર્લામેન્ટ લાયબ્રેરી, ઓલ ઈન્ડિયા રેડિયો, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમ.જે લાયબ્રેરી અમદાવાદ સહિતની સંસ્થાઓમાં સંગ્રહાયેલી અભિલેખીય સામગ્રી પણ અહીં રજૂ કરાઈ છે. સાથે સાથે વીડિયોમાં સરદાર સાહેબના વાસ્તિવક ફૂટેજ પણ રજૂ કરાયા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં વિવિધ રાજયોના વિલીનીકરણની ઘટનાઓને લોકો જાણી શકે તે માટે રાજયના પ્રખ્યાત નિર્દેશકો દ્વારા ૧૬ ફિલ્મો પણ તૈયાર કરાઈ છે. જે પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત સરદાર સાહેબને લગતા પ્રસિદ્ઘ પુસ્તકો પણ અહીં લાયબ્રેરીમાં મૂકાયા છે.

આ ઉપરાંત સરદાર સાહેબના અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડા એકત્રિકરણ, શૂણ-પાણેશ્વર સેન્ચ્યુરી, આદિજાતિ લોકોની જીવન શૈલી અને સંસ્કૃતિ, સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોના ફોટાઓ તથા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ કરાયા છે જે માણવાનો અનમોલ અવસર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળવા કેટલો ખર્ચ કરવો પડશે?

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાત સાથે દેશનું ગૌરવ વધાર્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાને નિહાળવા માટે નાણાં ખર્ચવા પડશે કેમ કે,  સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રતિ વ્યકિત દીઠ ૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવેશ માટે ૧૨૦ રૂપિયાની ટિકિટખરીદવી પડશે, બસનું ભાડું ૩૦ રૂપિયા છે જેમા જીએસટીના દરનો પણ સમાવેશ કરવામાંઆવ્યો છે. વ્યુ ગેલેરી માટેનો ટિકિટ દર ૩૫૦ રૂપિયા છે. જયારે ૧૨ વર્ષથી નીચેનીવયના બાળકો માટે ૬૦ રૂપિયા ટિકિટનો દર છે.

સરદાની પ્રતિમાની કુલ ઊંટાઈ ૧૮૨ મીટર છે. જયારે ૧૩૫ મીટરની ઊંચાઈએ એટલે કે છાતીના ભાગે વ્યૂ ગેલરી બનાવામાં આવી છે. જેમાથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની પર્વત માળા અને ઝરવાણી ધોધને જોઈ શકાય છે.  આ ઉપરાંત ૭૫૦૦ સ્કવેર મીટરમાં સરદાર પટેલ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા ૪૦ હજાર દસ્તાવેજો, ૨૦૦૦ ફોટોગ્રાફસ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

(4:08 pm IST)