Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સામાન્ય ભૂલ સુધારવા રૂ. ૭ લાખની લાંચના ગુન્હામાં ફરારી બનેલા સુરતના મામલતદારને આખરે એસીબીએ ઝડપી લીધા

ડ્રાઈવર મારફત લાંચ લીધેલીઃ ડ્રાઈવર ભાગવામાં સફળ ન થયેલ, મામલતદાર સફળ બનેલઃ એસીબી વડા કેશવકુમાર દ્વારા અમલી બનેલી ખાસ યોજના આગળ વધીઃ લાંચીયાઓ દ્વારા કરાયેલ લાંચમાં ધરખમ ભાવ વધારાનો આ કિસ્સો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલ

રાજકોટ, તા. ૩૦ :. ઉચ્ચ કક્ષાના રેવન્યુ અને સનદી અધિકારીઓ કે પોલીસના અધિકારીઓ લાંચના છટકામાં ઝડપાયા બાદ ફરાર બનતા હોય તેમની સામે તેમના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોટીસ વગેરે મોકલી પ્રેસર લાવવાની એસીબી વડા કેશવકુમારની યોજનાના ભાગ રૂપે સુરતના મજુરા વિસ્તારના મામલતદાર રાજેન્દ્ર ફતેસિંહ ચૌધરી અંતે એસીબી ટીમના હાથે ઝડપાઈ ગયા છે.  અત્રે યાદ રહે કે સુરતના ખૂબ જ વિકસીત વેસુ કેનાલ રોડની કિંમતી જમીનના ક્ષેત્રફળના હુકમમાં રહેલી ભૂલ સુધારવા માટે કતાર ગામના બિલ્ડર રાજેશભાઈ પાસેથી ૭ લાખની લાંચની માંગણી કરી હતી. મામલતદારે આ લાંચ પોતાના ડ્રાઈવર મારફત લીધી હતી. એસીબીના છટકામાં પોતાનો ડ્રાઈવર ઝડપાઈ જતા નાસી છૂટયા હતા.

૭ લાખ રૂપિયા જ્યારે લાંચ બિલ્ડર દ્વારા આપવામાં આવી ત્યારે ડ્રાઈવર નરેશ ખટીકને પણ એસીબી છટકાની ગંધ આવી જતા તેણે રૂપિયા ભરેલી બેગ બારીમાંથી બહાર ફેંકી ભાગવાનો પ્રયાસ કરેલ પરંતુ કારી ફાવી ન હતી. જો કે મામલતદાર નાસવામા સફળ રહ્યા હતા. જે અંતે ઝડપી લેવાયા છે. હુકમમાં રહેલી ભૂલ સુધારવા માટે ૭ લાખની લાંચની માંગણીથી લાંચીયાઓએ લાંચના ભાવમાં કેટલો મોટો ધરખમ વધારો કર્યો છે તેની રસપ્રદ કથા પણ ચર્ચાસ્પદ બની છે.

(12:11 pm IST)