Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદની કાંકરિયા ફૂડ સ્ટ્રીટને ફુડ સેફ્ટી અેન્ડ સ્ટાર્ન્ડસ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી સૌથી ચોખ્ખી ફૂડ સ્‍ટ્રીટનું બિરૂદ

અમદાવાદઃ ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે એક ગુડ ન્યુઝ છે. કાંકરિયા ફૂડ સ્ટ્રીટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) દ્વારા ભારતની પહેલી સૌથી ચોખ્ખી ફૂડ સ્ટ્રીટનું બિરુદ આપવામાં આવ્યું છે. શહેરમાં દબાણ હટાવવાની ડ્રાઈવમાં કોર્પોરેશને ખાઉગલીઓ અને લારીઓ દૂર કરતા નિરાશ થયેલા લોકો માટે ખરેખર ખુશીના સમાચાર છે.

66 સ્ટ્રીટ ફૂડ સ્ટોલ છેઃ

FSSAI અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાતે ગયા વર્ષે વિવિધ સર્વે અને ઑડિટ હાથ ધર્યા હતા અને ત્યાર બાદ કાંકરિયા ફૂડ સ્ટ્રીટને સૌથી ચોખ્ખી જાહેર કરી હતી. 15મી સદીમાં બનેલા કાંકરિયા તળાવની આસપાસમાં 66 જેટલા સ્ટ્રીટ ફૂડના સ્ટોલ છે. દર વર્ષે અહીં 1.20 કરોડ જેટલા લોકો મુલાકાતે આવે છે. FSSAI અમુક ફૂડ સ્ટોલ સ્વચ્છતા અને સેફ્ટીના નિયમોનું પાલન કરે તે માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. તમને જાણીને આનંદ થશે કે કાંકરિયા ફૂડ સ્ટ્રીટ બધા માપદંડ પર ખરી ઉતરી હતી અને દેશની એક માત્ર સ્વચ્છ ફૂડ સ્ટ્રીટનું બહુમાન મેળવ્યું હતું. અમારા સાથી અખબાર અમદાવાદ ટાઈમ્સે FDCA, વિક્રેતા તથા અહીં ખાવા-પીવા આવતા ગ્રાહકો સાથે વાત કરી હતી.

અમે બહુમાન જાળવી રાખવા માંગીએ છીએઃ

કાંકરિયા ફૂડ સ્ટ્રીટને બહુમાન મળ્યું છે તો અહીંના વિક્રેતાઓ તેને જાળવી રાખવા માંગે છે. અહીં સ્થળે સ્થળે કચરાપેટીઓ મૂકવામાં આવી છે જેથી લોકોને કચરો ફેલાવતા અટકાવી શકાય. ઉપરાંત હાથ ધોવા માટે પણ દરેક સ્ટોલ બહાર વ્યવસ્થા છે. એક સ્ટોલના માલિક અતુલ વ્યાસ જણાવે છે, “અમને ટાઈટલ મળ્યું તે પહેલા પણ અધિકારીઓ ફૂડ સ્ટ્રીટની નિયમિત મુલાકાત લેતા હતા અને અમુક મહિના સુધી ઑડિટ પણ ચાલ્યું હતું. અમને ભોજન બનાવતી વખતે એપ્રન અને ગ્લોવ્ઝ કેવી રીતે પહેરવા તેની તાલીમ આપવામાં આવી હતી. અમને સ્ટીલના ચપ્પા વાપરવા જણાવાયું હતું.” તેમણે વધુમાં જણાવ્યું કે બ્રેડ અને મસાલા જેવી ચીજો વાપરતા પહેલા એક્સપાયરી ડેટ ખાસ ચેક કરવા જણાવાયું હતું અને FSSAI દ્વારા માન્ય કરાયેલી પ્રોડક્ટ વાપરવાની સલાહ આપવામાં આવી હતી.

સ્વચ્છતા જળવાય તે હેતુઃ

FSSAI સ્ટ્રીટ ફૂડ વેચતી ઈટરીઝ કે લારીઓ સ્વચ્છતા જાળવે તે હેતુથી અભિયાન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાના ખૂબ શોખીન છે. સરકારનો પ્રયત્ન છે કે ભારતમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર આખી દુનિયામાં સૌથી ચોખ્ખામાંનું એક હોય. આથી FSSAI 2019માં આવી 150 જેટલી સ્ટ્રીટને ટાઈટલ આપવાની તૈયારીમાં છે.

બાબતો ધ્યાનમાં લેવાઈઃ

FDCAના ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણે જણઆવ્યું, “ એવોર્ડ અને ટાઈટલ એક વર્ષ માટે આપવામાં આવે છે. અમે ટાઈટલ આપતા પહેલા વિક્રેતાઓને માપદંડનું પાલન કરવા જણઆવીએ છીએ.” ચૌહાણે જણાવ્યું કે માપદંડોમાં સ્ટૉલનો ફ્લોર ચોખ્ખો હોય, ભોજન બનાવવામાં વપરાતી ચીજો શ્રેષ્ઠ ગુણવત્તાની હોય, વાસણમાં માત્ર સ્ટેનલેસ સ્ટીલ કે પ્લાસ્ટિકની સારી ક્વોલિટીના વાસણો વપરાતા હોય, રો- મટિરિયલ પણ ચકાસીને લેવાયુ હોય વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પાણી પણ તપાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અહીં કામ કરતા લોકોને કોઈ ચેપી રોગ છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે. ઑડિટ આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. દર થોડા મહિને ઑડિટ કરવામાં આવે છે. FDCA પહેલા ઑડિટ કરે છે અને પછી વિક્રેતાઓને જાતે ઑડિટ કરતા શીખવે છે. ઑડિટ અને ટ્રેનિંગના ગાળામાં ગુણવત્તા કથળે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

અમદાવાદીઓ ખુશખુશાલઃ

ખબર પછી અમદાવાદમાં ખાણી-પીણીના રસિયાઓની ખુશીનો પાર નથી. અહીં સ્વચ્છતા જાળવવા માટે વિક્રેતાઓ તેમના બેસ્ટ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગ્રાહકો પણ જગ્યાને સ્વચ્છ રાખવા તેમનાથી બનતા પ્રયત્નો કરે છે. શહેરના એક પ્રોફેશનલ યોગેશ વ્યાસે જણાવ્યું, “હું કાંકરિયા એક-બે વાર ગયો છું અને ત્યાં ખાધુ છે. અહીં સ્ટોલના લોકો જે રીતે ફૂડ બનાવે છે તેમાં ઘણો ફરક જોવા મળ્યો છે. અધિકારીઓ અને વિક્રેતાઓ ખાઉગલીમાં સ્વચ્છતા જાળવવા જે પ્રયત્નો કરે છે તે દાદ માંગી લે તેવા છે.” સેન્ટ ઝેવિયર્સ કોલેજના વૈભવ બારનિયા જણાવે છે, “અન્ય ખાઉગલીઓ કરતા કાંકરિયા ખૂબ સ્વચ્છ છે. તમને ધરપત થઈ જાય છે કે તમે કોઈ સ્વચ્છ જગ્યાએ ભોજન લઈ રહ્યા છો.”

(5:36 pm IST)