Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સુરત:4.60 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા ફટકારી

સુરત શહેરમાં:ચારેક વર્ષ પહેલાં મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના લીધેલા 4.60 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને ચેકની બમણી રકમ રૃ.9.20લાખ વળતર પેટે ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.

બ્રોકરેજના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ફરિયાદી હર્ષ પ્રવિણ ટેલર (રે.મંથન ટેરેસ,અડાજણ રોડ) એ મિત્રતાના સંબંધના નાતે નવેમ્બર-2017ના રોજ પોતાના પિતા પ્રવિણ ટેલર તથા સંજય પટેલની હાજરીમાં આરોપી અશોક બેચર પટેલ (રે.વાસુપૂજ્ય-15  જહાંગીરપુરા) ને રૃ.4.60 લાખ હાથ  ઉછીના આપ્યા હતા.જે અંગે બંને પક્ષકારો વચ્ચે થયેલા એગ્રીમેન્ટ કરાર મુજબ આરોપીએ ફરિયાદીને લેણી રકમની ચુકવણી પેટે 4.60 લાખના ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

અલબત્ત ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન મૂળ ફરિયાદી હર્ષ ટેલરનું નિધન થતાં તેના પિતા પ્રવિણ ટેલરને ફરિયાદી તરીકે જોડવા ફરિયાદપક્ષની અરજીને કોર્ટે મંજુર કરી હતી. છેલ્લાં ચારેક વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી અશોક પટેલને ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે દેશની કરોડરજ્જુ ગણાતા તંદુરસ્ત અર્થતંત્રને નુકસાન કરતો ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે.

(5:35 pm IST)