Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

આંકલાવ તાલુકાના તલાટી મંત્રીને લાંચ લેવા બદલ અદાલતે 3 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આંકલાવ તાલુકાના નાની-મોટી સંખ્યાડ ગામના તલાટી કમ મંત્રી માર્ચ ૨૦૧૨માં લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. જે અંગેનો કેસ ચાલી જતાં આણંદ કોર્ટે તલાટી કમ મંત્રી પ્રવીણ રતીલાલ કાછીયાને ગુનેગાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સાદી કેદની સજા પણ કોર્ટે ફટકારી છે.

આ કેસની વિગત અનુસાર વર્ષ ૨૦૧૨માં આરોપી તલાટી કમ મંત્રી પ્રવીણ કાછીયાએ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂપિયા ૨૦૦૦ની માંગણી કરી હતી. નાની-મોટી સંખ્યાડ ગામના સર્વે નંબર ૨૬૩ વાળી ખરાબાવાળી જમીનમાંથી ફરિયાદી અને તેના કુટુંબીજનો પરમીટ હેઠળ માટી ઉપાડવાનું કામ કરતાં હતા. દરમિયાન ૨૦ હજાર મેટ્રેકી ટન માટી ઉપાડવાનું કામ મળતા ફરિયાદીએ પોતાની ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પ્રવીણ કાછીયાને ઠરાવ મેળવવા માટે રજુઆત કરી હતી. માટી ઉપાડવા માટે પંચાયત દ્વાર મંજુરીવાળો ઠરાવની જરૂરીયાત હોવાથી આરોપીએ તલાટીએ કામ કરાવી આપવા બદલ વ્યવહારની માંગણી હતી. આખરે રૂપિયા ૨૦૦૦ લાંચ પેટે આપવાનું નક્કી કર્યું હતું. જે વ્યવહાર લેવા તલાટી ફરિયાદીને આણંદના નવા બસ સ્ટેશન મળવા બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદની રજુઆતને આધારે છટકું ગોઠવ્યું હતું અને બે હજારની લાંચ લેતા આરોપી તલાટી પ્રવીણ કાછીયાને રંગે હાથ ઝડપી લીધો હતો.

(5:34 pm IST)