Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરતમાં રત્નકલાકારની પ્રામાણિકતા ઝળહળી : પાર્કિંગમાંથી મળેલ નવ લાખના હીરાનું પડીકું મૂળ માલિકને પરત સોંપ્યું

ખિસ્સામાંથી હીરાનું પડીકું પડી જતા હરેશભાઇએ શોધવા અનેક પ્રયાસ કરાયા પરંતુ નિષ્ફ્ળ નીવડ્યા : રાજુભાઈએ હરેશભાઈને શોધીને હીરા પરત આપ્યા

સુરતઃડાયમંડ નગરીમાં ઇમાનદારીનો વધુ એક કિસ્સો ઉમેરાયો છે,એક રત્નકલાકારને મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી મળેલા 30 કેરેટ હીરા તેના મૂળ માલિકને શોધીને પરત કર્યા હતાં.

સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલી ઓપેરા સોસાયટીમાં રહેતા અને મિનીબજાર ખાતે હીરા બજારમાં કામ કરતાં રાજુભાઈ બાવચંદભાઈ રાઠોડની કમાણી લોકડાઉનને પગલે ઘટી ગઈ છે. રાજુભાઈની હાલમાં આવક માત્ર 15 હજાર રૂપિયાની છે. ચારેક દિવસ અગાઉ તેઓ વરાછાના પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે એક પડીકું તેમને મળ્યું હતું, આ પડીકું ખોલી ને જોયું તો તેમાં હીરા હતાં. આ હીરાની અંદાજે કિંમત નવ લાખ રૂપિયા હતી.

મંદીના સમયે હીરાનું પેકેટ મળવાથી એક વાત તો ચોક્કસ હતી કે રાજુભાઇની આર્થિક સ્થિતિ સુધરી શકી હોત, પરંતુ હીરા પોતાની પાસે રાખવાના બદલે તેમને મૂળ માલિકને પરત  કરવાનું નક્કી કર્યું હતું. રાજુભાઈ બહેન – ભાઈ, બે દીકરીઓ સહિત સાત સભ્યોના પરિવારનું ગુજરાન  ચલાવે છે. રાજુભાઈએ હીરાના પડીકાને મૂળ માલિક સુધી પહોંચાડવા માટે પૂછપરછ કરતાં ખબર પડી હતી કે એક વ્યક્તિનું હીરાનું પડીકું પડી ગયું છે. રાજુભાઈએ પડીકું પડી ગયું હતું તે હરેશભાઈને શોધીને હીરા પરત કર્યા હતાં.

 

હરેશભાઈ વિરડીયાએ હીરા પરત મળતાં જણાવ્યું કે ગત 22મી તારીખે હીરા બજારમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ખિસ્સામાંથી તૈયાર પ્રિન્સેસના ત્રણ પેકેટ પ્લાસ્ટિકની ડબ્બી સાથે ખોવાઈ ગયા હતાં. જે હીરાની અંદાજીત કિંમત આઠથી નવ લાખની છે. હીરા ખોવાઈ જતાં અલગ અલગ હીરા બજારમાં બોર્ડ માર્યા હતાં.

તેની સાથે સોશિયલ મીડિયામાં પણ જાહેરાત કરી હતી. CCTV કેમેરા પણ ચેક કર્યા હતાં પરંતુ કંઈ મળ્યું ન હતું, જેથી એવું માની લીધું હતું કે હવે હીરા નહીં મળે. મારે જેમના હીરા હતાં તેમને પણ રકમ ચુકવવાની હતી, જે મારી સંપત્તિ વેચીને પણ ચુકવવાની મારી તૈયારી હતી, જોકે ત્યારે જ રાજુભાઈનો ફોન આવ્યો કે તમારા હીરા મારી પાસે છે. આમ મને મારા હીરા મળી ગયા હતાં. રાજુભાઇનો હું આભારી છું કે તેમને મને બચાવી લીધો.

(6:01 pm IST)