Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદ : તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જારી

સતત છ દિવસની મેઘમહેરથી વરસાદી માહોલ : શહેરમાં તોફાની વરસાદના કારણે જનજીવન ઘમરોળાયુ વિરમગામ સહિત ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ

અમદાવાદ,તા. ૩૦ : અમદાવાદ શહેરમાં આજે સતત છઠ્ઠા દિવસે મેઘરાજાએ તેમની મહેર વરસાવવાનું ચાલુ રાખ્યું હતુ પરંતુ આજે વરસાદની તીવ્રતા અને જોર વધુ હતા. શહેરમાં આજે દિવસ દરમ્યાન વીજળીના જોરદાર કડાકા અને ભડાકા અને ઠંડો પવન ફુંકાવાની સાથે પણ તોફાની વરસાદ વરસ્યો હતો. સરખેજમાં માત્ર બપોરના સમયે જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. મેઘરાજાની ધમાકેદાર બેટીંગના કારણે આજે અમદાવાદ શહેરનું સામાન્ય જનજીવન જાણે કે, ઘમરોળાયુ હતું. વાદળછાયા અને કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને શહેરના નીચાણવાળા અને પૂર્વના વિસ્તારોમાં આજના ભારે વરસાદના કારણે વધુ પડતા પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં આજે વધુ પડતો અને ભારે વરસાદ નોંધાયો હતો, જેની સીધી અસર બીજા નોરતાના રાસ-ગરબાના કાર્યક્રમો અને આયોજનો પર પડી હતી. આજના ભારે વરસાદને લઇ બીજા દિવસના નોરતાના કાર્યક્રમો પણ રદ કરવા પડયા હતા.

            એકબાજુ, નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઇ ગયો છે ત્યારે છેલ્લા છ દિવસના વરસાદના કારણે લોકો જાણે હવે કંટાળ્યા છે. ખાસ કરીને નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની મજા બગડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત રાસ-ગરબાના કાર્યક્રમો વરસાદી પાણીમાં જાણે ધોવાઇ ગયા છે કારણ કે, રાસગરબાના સ્થળો કે, ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. શહેરમાં આજે પણ સતત વરસાદી માહોલના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયાની સૌથી વધુ અને વ્યાપક ફરિયાદો સામે આવી હતી. તો, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટવાની, ખાડાઓ-ભૂવાઓ પડવાની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી. આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતુ.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યું હતું. શહેરના પૂર્વ અને પશ્ચિમના તેમ એસજી હાઇવે અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પણ મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તે પ્રકારે તોફાની વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં આજે ધોધમાર અને તોફાની વરસાદે સામાન્ય જનજીવન જાણે ઘમરોળી નાંખ્યું હતું. બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને વિરમગામ, માંડલ, ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. વિરમગામ સહિતના પંથકોમાં આજે પણ ધોધમાર વરસાદને લઇ ભારે પાણી ભરાઇ ગયા હતા. તો, હવામાન ખાતાની આગાહીને પગલે હજુ આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શકયતા હોઇ નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની ચિંતા વધી છે અને સૌકોઇ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે. અમદાવાદમાં હજુ સુધી ૮૫૧ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે.

(9:12 pm IST)